Sunday, November 15, 2009

ખાદીમ : ડૉ. મહેબૂબ દેસાઈ

ખાદીમ

ડો.મહેબૂબ દેસાઈ


ખાદીમ શબ્દ અરબી ભાષાનો છે. ખદમ શબ્દ પરથી ખાદીમ શબ્દ આવ્યો છે. ખદમ એટલે નોકરીમાં રાખવું. ખાદીમ એટલે સેવક,દાસ, નોકર. ગુજરાત સરકાર હજ યાત્રાએ જતા ગુજરાતના હાજીઓ સાથે છ જેટલા ખાદીમો નિયમિત મોકલે છે. આ ખાદીમોનું મુખ્ય કાર્ય હાજીઓની સેવામાં રત રહેવાનું છે. આરંભથી અંત સુધી હાજીઓને મદદરૂપ થવા ઉત્સુક રહેતા ખાદીમોની પસંદગી ગુજરાત સરકાર મોટે ભાગે ગુજરાતના સરકારી કર્મચારીઓમાંથી કરે છે. જુદા જુદા સરકારી વિભાગોમાંથી પસંદગી પામેલા આ ખાદીમો માટે હાજીઓની ખિદમત-સેવા કરવાનો સુઅવસર જિંદગીની પુણ્ય કમાવાનો મોટામાં મોટી તક હોય છે. એ સુઅવસર ખુદા ના ફઝલો કરમથી આ વર્ષે મને સાંપડ્યો છે. એ માટે હું ખુદાનો આકાશ ભરીને શુક્રગુઝર છું.

૨૦૦૦મા હું અને મારી પત્ની હજ પઢવા ગયા હતા. ત્યારે ખિદમતની એક આદર્શ મિસાલ મને જોવા મળી હતી.મદીનાની મસ્જિત-એ-નબવીમાં હું નિયમિત એક વૃદ્ધને મસ્જિતની ફર્શ સાફ કરતા જોતો. એ દિવસે અસરની નમાઝ પછી એ વૃદ્ધ મસ્જિતની સફાય કરી રહ્યા હતા ત્યારે તેમની પાસે જઈ મેં તેમને,
“અસ્સ્લામોઅલાયકા " કહ્યું
તેમણે મને જવાબ વાળ્યો,
"વાલેકુમ અસ્સલામ”
"આપસે કુછ બાત કર સકતા હું?”
"ખુશીશે કી જીયે" સફાય કરવાનું ચાલુ રાખતા તેઓ બોલ્યા,
"આપકો હંમેશા મસ્જિતકી સફાય કરતે દેખતા હું. ક્યા
આપ યહાં કામ કરતે હૈ?”
મારી સામે સ્મિત કરી થોડીવાર તેઓ મને જોઈ રહ્યા. પછી બોલ્યા,

"મેરા નામ મલેક ગોહરઅલી હૈ. મૈ પાકિસ્તાનકા રહેનેવાલા હું . પેશાવેરમેં મેરી કપડેકી દુકાન હૈ . યે મેરા કાર્ડ હૈ "

અને ગોહરઅલીએ એક આકર્ષક કાર્ડ મારા સામે ધર્યું. હું અવાચક નજરે સામાન્ય લિબાસમાં મસ્જિતની ફર્શ પર પોતા મારતા પેશાવરના વેપારીને તાકી રહ્યો. મારી સ્થિતિને પામી જતા ગોહરઅલી બોલ્યા,
"જનાબ, ઇસમેં ઇતના પરેશાન હોનેકી જરૂરત નહિ. મૈ ખુદાકે ઘરકી ઔર હાજીઓકી ખિદમત મેં હર સાલ હજ કે દીનોમે યહાં આતા હું. એક મહિના બીના હીચકીચાહટ દોનોકી ખિદમત કરતા હું.ઔર ફિર પેશાવર લોટ જતા હું "
આટલું કહી ગોહરઅલી પાછા પોતાના કામમાં લાગી ગયા. અને હું ખિદમતની સાચી પરિભાષાને તાકી રહ્યો.

આજે જયારે ગુજરાત સરકાર તરફથી ખાદીમ તરીકે જવાનો મોકો ખુદાએ મને આપ્યો છે, ત્યારે ખુદા પાસે એટલીજ દુઆ માંગું છું કે હાજીઓની ખિદમત કરવાની મને ગોહરઅલી જેવીજ લગન અને શક્તિ આપજો - આમીન.

15-11-2009
7.00 PM

No comments:

Post a Comment