Tuesday, November 24, 2009

Gujrati Bhashanu gaurav : Prof.Mehboob Desai

સવાયા ગુજરાતીઓને કોટી કોટી વંદન.
પ્રોફ.મહેબૂબ દેસાઈ

યુનેસ્કોના શૈક્ષણિક અહેવાલમાં નોધ્યું છે,
" શિક્ષણના મૂળમાં પોતાની સંસ્કૃતિ અને ભાષા અનિવાર્ય છે."
અને એટલેજ આપણી સંસ્કૃતિ જેમજ ભાષાનો પ્રચાર- પ્રસાર અને જાળવણી અત્યંત જરૂરી છે. હેરીટેજની જેમજ આપણી માતૃભાષાને પણ સંભાળવાની,જતન કરવાની આપણી પવિત્ર ફરજ છે. એ ફરજ ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ, કવિઓ -લેખકો તો બરાબર બજાવે છે જ . પણ ગુજરાત બહાર વસતા અને અને આજે પણ ગુજરાતી ભાષાનું સતત સંવનન કરતા ગુજરાતીઓ કાકાસાહેબ કાલેલકર જેટલા સવાયા ગુજરાતીઓ છે. આજે એવા થોડાક ગુજરાતીઓની વાત કરવી છે.

બ્રિટનમાં ગુજરાતી સાહિત્યની કેડીને રાજમાર્ગ બનાવનાર કેટલાંક વિરલાઓમાં યાકુબ ઉમરજી મંકનું નામ કેમ વિસરાય ? અલબત તેમનું અસલ નામ સરહદોના સીમાડાઓ ઓળંગી શક્યું નથી.પણ તેમનું 'મહેક' ટંકારવી નામ ગુજરાત, બ્રિટન, કેનેડા અને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં સોં તેને ઓળખે છે. બ્રિટનમાં ગુજરાતી ગઝલ અને મુશાયરાનો પ્રારંભ ૧૯૬૬મા થયો હતો. તેનો આરંભ કરનાર 'મહેક' ટંકારવી હતા.એ ઐતિહાસિક તથ્ય ગુજરાતી સાહિત્યનો બ્રિટનમાં ઈતિહાસ લખાશે ત્યારે અચૂક નોધવું પડશે.

“જીવનનું ચિત્ર એ રીતે સજાવીએ આવો
અસલ જે રંગ છે તેને લગાવીએ આવો”

બ્રિટનના મુશાયરોમાં સૂફીરંગની ગઝલોને તરન્નુમમાં રજુ કરી મુશાયરાને લુંટતા 'મહેક' ટંકારવી ગુજરાતી રાયટર ગીલ્ડ (યુ.કે.)ના સ્થાપક છે. બોલ્ટન યુ.કે.ના જુદા જુદા ભાગોમાં મુશાયરોનું આયોજન અને સંચાલન સાથે ગુજરાતી ગઝલકારોને સુલભ અને સાચું માર્ગદર્શન પૂરું પાડનાર 'મહેક' ટંકારવીએ ગુજરાતી ભાષાને બ્રિટનમાં જીવંત અને સમૃદ્ધ રાખી છે.
યુ.કે.માં જ એક અન્ય ભડવીર ગુજરાતી સમાધી લગાવી બેઠા છે. એનું નામ છે વિપૂલ કલ્યાણી.તેઓ વર્ષોથી "ઓપિનિયન" નામનું ગુજરાતી બૌદ્ધિક માસિક ચલાવે છે. બ્રિટન અને દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓમાં "ઓપિનિયન" કાફી લોકપ્રિય છે. ગુજરાતના

જાણીતા-માનીતા અનેક લેખકોના લેખોથી "ઓપિનિયન"દર માસે દુલ્હનની જેમ સજીધજીને દુનિયાના ગુજરાતીઓના હાથોમાં રમે છે. " ઓપિનિયન"નાં ફેબ્રુઆરી ૨૦૦૪ના અંકમાં પ્રવીણ શેઠ તેમના લેખ " ગુજરાત અને ગુજરાતવંશી વચ્ચે 'સિનર્જી'નો અનુબંધ"માં લખે છે,

“જહાં જહાં વસ્તી હૈ
વહાં વહાં ગુજરાતી હૈ
જહાં જહાં મસ્તી હૈ
વહાં વહાં ગુજરાતી હૈ "

ખાદીનો સફેદ કફની- લેંઘો, ખભા પર બગલ થેલો અને હંમેશા મુર્દું સ્વરે વાતનો આરંભ કરતા વિપૂલભાઈ કલ્યાણી "ઓપિનિયન" ના પિતા તરીકે સવાયા ગુજરાતીની હરોળમાં બેઠા છે.

એક ઓર યુ.કે.નિવાસી છે જે ગુજરાતી ભાષાને શણગારવામાં અતિ વ્યસ્ત છે. જેમનું નામ છે દીપક બારડોલીકર. આમતો પાકિસ્તનથી હિજરત કરી યું.કે.પહોંચેલા દીપક બારડોલીકર અચ્છા શાયર અને ઉમદા ઇન્સાન છે. પણ એથી વિશેષ ગુજરાતી ભાષાના પ્રખર હિમાયતી છે. પાકિસ્તાનમાં રહેવા છતાં ગુજરાતી હોવાનો ગર્વ તેમના લખાણોમાં વારંવાર નીતર્યા કરે છે. તેમનીગુજરાતી ગઝલોમાં ઈશ્ક- કે- અકીકીના ઘાટા વિચારો વ્યક્ત થાય છે.

“નિરંતર ખુશી છે, નથી કોઈ ગમ
છે તારી કરમ મૌલા તારી કરમ

નથી અમને નિસ્બત કોઈ વાદથી
નબીનો ધરમ એ અમારો ધરમ

ચલો બેસી જઈએ હરમ છાંયમાં
સફળ થઈ જશે આપણો આ
જનમ”

ગુગલમાં "બાગે વફા" અને "બઝ્મે વફા" લખી સર્ચ કરો એટલે બે સુંદર ગુજરાતી વેબ સાઈડ નજરે પડશે. એ વેબ સાઈડના સર્જક છે મુહમ્મદઅલી યુસુફ ભૈડું. તખલ્લુસ છે "વફા".ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતી સાહિત્યકારોની રચનાઓને ઈન્ટરનેટના માધ્યમ દ્વારા વિશ્વ સમક્ષ મુકવાની નેમ લઈને ચાલતા "વફા" સાહેબ ઉમદા ઇન્સાન અને ઉત્તમકોટીના શાયર છે.


"હમ કુછ ભી નહીં ફિરભી હમારે હોનેકા હૈ વાહેમાં
વક્ત કી ચક્કી મેં પીસકે મિટ જાયેંગે એક દિન”

જિંદગીની આવી સચ્ચાઈને પોતાની કલમ દ્વારા સાકાર કરનાર વફા સાહેબે ગુજરાતી અને ઉર્દુમાં ૬૦૦ જેટલી ગઝલો રચી છે. છેક અપ્રિલ ૨૦૦૬થી તેઓ "બાગે વફા" નામક બ્લોગ ચલાવે છે. "બઝ્મે વફા"માં ગદ્ય અને પદ્ય મળીને કુલ ૧૦૮૦ જેટલી ગુજરાતી રચનાઓ
વિશ્વના ગુજરાતીઓ માટે સંગ્રાહેલી છે. આજના ઇન્ટરનેટ યુગમાં ગુજરાતી ભાષાને આમ ગુજરાતી સુધી પહોંચાડવાના "વફા" સાહેબના આવા પ્રયાસો તેમને પણ સવાયા ગુજરાતી બનાવી દે છે. કેનેડાની ધરતી પર "વફા" સાહેબ સાથેજ ગુજરાતી ભાષાની કેડીને શણગારનાર એક અન્ય સર્જક છે જય ગજ્જર. નવ નવલકથા અને બે નવલિકા સંગ્રહ આપનાર જય ગજ્જરનો એક પગ ગુજરાતમાં,તો એક પગ કેનેડામાં હોઈ છે.અને એટલેજ ગુજરાતના સામાયિકો તેમની કલમના વરસાદથી ભીંજાતા રહે છે.
બ્રિટનમાં રહેતા આદમ મુસા ધોડીવાલા અર્થાત અદમ ટંકારવીનું ગુજરાતી સાહિત્યમાં-ગઝલમાં પ્રદાન અજાણ્યું નથી. ૧૯૯૧થી યુ.કે.માં વસેલા સૂફીસંત સમા અદમ ટંકારવીની ગઝલોમાં સરળ શબ્દોની ગુથણીમાં જીવનનો ગુઢાર્થ છુપાયેલો હોઈ છે.

"એક તારું નામ લખતા આવડ્યું,
તે પછી તો સ્લેટ કોરી રહી”

બ્રિટેનમાં ૧૯૭૦થી કવિ મંડળની સ્થાપના કરનાર જનાબ અહમદ ગુલની ગુજરાતી ગઝલોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી બ્રિટનના અંગ્રેજી કવિઓનું ધ્યાન દોરનાર અદમ ટંકારવીને તેમના પુસ્તક " ગઝલની ચોપડી " માટે અકાદમીનું બીજું ઇનામ પ્રાપ્ત થયેલ છે.

ગુજરાતી ભાષાને વિદેશની ધરતીપર સજાવનાર-શણગારનાર આવા અનેક જાણીતા - અજાણ્યા સવાયા ગુજરાતીઓની યાદી ઘણી લાંબી છે. એવા સવાયા ગુજરાતીઓના પ્રતિક તરીકે સ્મૃતિમાં આણેલ આ અને આવા સૌ સવાયા ગુજરાતીઓને સમગ્ર ગુજરાત વતી કોટી કોટી વંદન.

(ગુજરાતી સાહિત્ય પરિષદનું આગામી અધિવેશન નવસારીના આંગણે ડીસેમ્બર ૨૦૦૯મા મળી રહ્યું છે. એ પ્રસંગે પ્રસિદ્ધ થનાર પુસ્તક માટે લખાયેલ લેખ.)

2 comments:

 1. saras lekha pan adhuro...maafa karajo.

  karanke aa lekhamaa hajee ghanaa nam umeri shakaay jema ke Panna Nayak, Preeti Sengupta, Madhu ray, Pravin Patel, Pritam Lakhalani, Chandrakant Shah,Dr Ashraf Dabawala,Madhumati Mehta,Dr Dinesh O shah,Navin Vibhakar, Anandrao Lingayat,Vasudha Inamdar,Harnish Jani, Nilesh Rana,Bhadra Vadgama,Sudhir Patel,Himanshu Patel.

  Amaraa houustonma thee Suman Ajameri, Rasik Meghani ane Chiman Patel.

  aamaathee ghaNaa badhaa vishe maaheetee aapne www.gujaratisahityasangam.wordpress.org uparthee malashe

  aabhaar

  ReplyDelete
 2. શ્રી વિજય,
  આપની વાત સાવ સાચી છે. પણ લેખના આલેખનમાં કંઈક તો મર્યાદા રાખવી પડે .
  લેખના અંતે આ વાતનો ખાસ ઉલ્લેખ કરેલ છે.
  આભાર
  મહેબૂબ દેસાઈ

  ReplyDelete