Sunday, November 22, 2009

“સેક્યુલર મુરબ્બો”: વાંચો, વિચારો અને આચરો :ડો.મહેબૂબ દેસાઈ

“સેક્યુલર મુરબ્બો”: વાંચો, વિચારો અને આચરો

ડો.મહેબૂબ દેસાઈ

ઇસ્લામ માનવ ધર્મ છે એ વાતના આધરો કુરાન-એ-શરીફના પાને પાને અંકિત થયેલા છે. આપણા જાણીતા ઇતિહાસકાર જદુનાથ સરકારે તેમના ગ્રન્થ
"હિસ્ટ્રી ઓફ ઔરંગઝેબ"મા લખ્યું છે,
"શિવાજીએ ઔરંગઝેબ ને લખેલા પત્રમાં જણાવ્યું છે , ' નામદાર , આપ જો પવિત્ર કુરાનમાં વિશ્વાસ ધરાવતા હો તો જાણી લો કે તેમાં ઈશ્વરનું સ્વરૂપ "રબ્બીલ-ઉલ-આલીમ " અર્થાત મનુષ્ય માત્રના ખુદા દર્શાવેલ છે. તેમાં રબ્બીલ-ઉલ-મુસ્લિમ અર્થાત માત્ર મુસ્લીમોના ખુદા નથી કહ્યું. કોઈ એક ધર્મ અને તેના રીત રીવાજો પ્રત્યે અંધ બની વળગી રહેવું , તે પવિત્ર કુરાનના આદેશ વિરદ્ધ છે. અને તે જાતનું વર્તન કરવું અલ્લાહનો વાંક કાઢવા સમાન છે.(પૃષ્ટ ૧૦૭)
હાલમાંજ પ્રસિદ્ધ થયેલ શ્રી ગુણવંત શાહના પુસ્તક " સેક્યુલર મુરબ્બો "
(પ્ર. આર.આર.શેઠની કુ.,અમદાવાદ)માં આપેલા આવા અવતરણો ઇસ્લામને માનવ ધર્મ તરીકે માનતા,સમજતા અને સ્વીકારતા શ્રી ગુણવંત શાહને સુંદર રીતે વ્યક્ત કરે છે. પોતાના સેક્યુલર વિચારોથી હિંદુ અને ઇસ્લામના કટ્ટરપંથીઓમાં ખળભળાટ મચાવનાર ગુણવંતભાઈ ત્રિશુલ દીક્ષા અંગે લખે છે,

" ત્રિશુલધારી મહાદેવની પૂજા સદીઓથી થતી આવી છે. મહાદેવની પૂજામાં બધું આવી જાય. મહાદેવથી અળગા કરેલ ત્રિશુલની પૂજા શા માટે ? કૃષ્ણની પૂજા કરનારો ભક્ત સુદર્શનધારી કૃષ્ણની પૂજા ભલે કરે. તમે ક્યાંય કેવળ સુદર્શન ચક્રની પૂજા થતી ભાળી છે ? ધનુર્ધારી રામની પૂજા સદીયોથી થતી આવી છે. રામથી ધનુષ્યને વેગળું કરી માત્ર ધનુષ્યની પૂજા શા માટે કરવી ? .... ત્રિશુલ હથિયાર છે. ગમે તેટલું નાનું હોઈ તોય એની ત્રણ અણીઓ તો તીષણ જ હોવાની . ત્રિશુલ સાથે વિમાની મુસાફરી ન જ થઈ સકે.... લોકશાહીમાં ધર્મના નામે આવું ધતિંગ ચલાવી ન લેવાય "(પૃષ્ટ ૮૫)

વંદેમાતરમનો વિવાદ હમણાં પાછો વકર્યો છે. વન્દેમાતરમનો આરીફ મોહંમદ ખાને કરેલો ઉર્દુ અનુવાદ આ પુસ્તકનું ઘરેણું છે. અત્રે તે અનુવાદ શબ્દસહ ગુણવંતભાઈએ આપ્યો છે. તે જાણવા અને માણવા જેવો છે,
”માં તસ્લીમાત !
તું ભરી હૈ મીઠે પાની સે
ફળ-ફૂલો કી શાદાબી સે
દક્કીન કી ઠંડી હવાઓ સે
ફસલો કી સુહાની ફીજાઓ સે
તસ્લીમાત , માં તસ્લીમાત !

તેરી રાતે રોશન ચાંદ સે
તેરી રોનક સબ્જે-ફામ સે
તેરી પ્યાર ભરી મુસ્કાન સે
તેરી મીઠી બહુત જુબાન સે
તેરી બાહોંમે મેરી રાહત સે
તેરે કદમો મેં મેરી જન્નત સે
તસ્લીમાત , માં તસ્લીમાત ! (પૃષ્ટ ૨૭૬)

વંદેમાતરમના આ ઉર્દુના અનુવાદ પછી તેનો વિરોધ કરતા મુસ્લિમ બિરાદરો પાસે કંઈ ખાસ કહેવાનું રહેશે નહિ.
આ જ પુસ્તકમાં ઇસ્લામના ૨૪ આલિમો (વિદ્વાનો)ના ઇસ્લામ અંગેના વિચારો પણ અત્રે અસરકારક રીતે રજુ થયા છે. ૩૧૪ પૃષ્ટોનું આ પુસ્તક શાળા-કોલેજો અને સ્વેચ્છિક સંસ્થાઓમાં માર્ગદર્શક બની રહે તેવી કક્ષાનું બન્યું છે. શ્રી ગુણવંતભાઈ શાહને એ માટે આકાશભરીને અભિનંદન.

No comments:

Post a Comment