Monday, August 10, 2009

ઇસ્લામ અને સ્ત્રી : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામ અને સ્ત્રી સ્વાતંત્ર્ય

Mehboob Desai



ઇસ્લામે તોસ્ત્રીને આજથી ચૌદસો વર્ષ પહેલાં વારસાહક આપ્યો છે. શાદીમાં પણ સ્ત્રીની સંમતિને ઇસ્લામે વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.
પડદાપ્રથા કે બહુપત્નીત્વના ઇસ્લામના રિવાજોને કારણે એમ માની લેવું કે સ્ત્રી સ્વાતંત્ર્યને ઇસ્લામમાં સ્થાન નથી, તે બિલકુલ યોગ્ય નથી. આ બંને સામાજિક રિવાજોના મૂળમાં એ સમયની અરબસ્તાનની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ ઘણા બધા અંશે જવાબદાર હતી એ તેનો અભ્યાસ કરીએ તો જ માલૂમ પડે.

ઇસ્લામમાં સ્ત્રીસ્વાંત્ર્યને સાંગોપાંગ સ્વીકારવામાં આવેલ છે. એ માત્ર એક આદર્શ નહીં, પણ વાસ્તવિક અમલીકરણનો વિષય રહ્યો છે. સ્ત્રીઓના સમાન સામાજિક દરજજાનો સ્વીકાર કરતા કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે, ‘હું તમારામાંથી કોઇ પણ વ્યક્તિના કામને વ્યર્થ નથી ગણતો. ચાહે એ પુરુષ હોય કે સ્ત્રી, તમે પરસ્પર એકમેકનાં અંગો છો.’

ઇંગ્લેન્ડમાં છેક સન ૧૮૭૧માં સ્ત્રીઓને મિલકતમાં વારસાહક આપવાનું સ્વીકારવામાં આવ્યું હતું. જયારે ઇસ્લામે તો સ્ત્રીને આજથી ચૌદસો વર્ષ પહેલાં વારસાહક આપ્યો છે. આ અંગે કુરાને શરીફમાં કહ્યું છે, ‘પુરુષ અને સ્ત્રી બંનેને મા-બાપ કે નજીકના સંબંધી મૂકી ગયા હોય તે સંપત્તિમાં અધિકાર છે.’

સંપત્તિમાં અધિકારની જેમ જ લગ્ન કે શાદીમાં પણ સ્ત્રીની સંમતિને ઇસ્લામે વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. એક હદીસમાં ફરમાવવામાં આવ્યું છે, ‘કોઇ વિધવાનાં લગ્ન તેની સલાહસૂચન વિના ન કરવામાં આવે અને કોઇ કુંવારીનાં લગ્ન તેની સંમતિ વગર ન કરો.’ લગ્ન કે શાદી અંગે ઇસ્લામે સ્ત્રીની સંમતિને એટલું બધું મહત્ત્વ આપ્યું છે કે જો નિકાહ પછી પણ સ્ત્રી એમ કહે કે તેની શાદી સંમતિ વગર કરવામાં આવી છે, તો નિકાહ તૂટી જાય છે.

આમ ઇસ્લામે સ્ત્રીઓને વારસા અધિકાર, વિધવા વિવાહનો સન્માનિત અધિકાર, અમુક સંજોગોમાં પતિથી મુકત થવાની છૂટ, સ્ત્રી ધન સ્વાધીન રાખવાની પરવાનગી અને વિદ્યાપ્રાપ્તિનો અધિકાર આપ્યો છે. આટલેથી ન અટકતાં દુવા કે પ્રાર્થનામાં પણ સ્ત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,
જેમ કે, ‘જમીઇલ મુઅમિનીના વલ મુઅમિનાત વલ મુસ્લિમીના વલ મુસ્લિમાત.’ અર્થાત્, ‘મુસ્લિમ પુરુષો અને સ્ત્રીઓ ઇમાનદાર પુરુષો અને ઇમાનદાર સ્ત્રીઓ માટે ક્ષમાયાચના.’

ઇસ્લામમાં સ્ત્રીની ચારિત્ર્યશુદ્ધિ જેટલું જ મહત્ત્વ પુરુષના ચારિત્ર્યને આપવામાં આવ્યું છે. એટલે કે પુરુષના વ્યાભિચારી સંબંધોને ઇસ્લામે ધિક્કારેલ છે એ દ્દષ્ટિએ પણ સ્ત્રી અને પુરુષને સમાન રાખવામાં આવ્યાં છે. સ્ત્રીઓની ઘરબહારની સેવાકીય પ્રવૃત્તિઓને પણ ઇસ્લામમાં આવકારી છે. યુદ્ધના મેદાનમાં શૌર્યગીતો લલકારવા કે સૈનિકોને પાટાપિંડી કરવામાં આરબ સ્ત્રીઓએ આપેલ પ્રદાનની નોંધ અરબસ્તાનના ઇતિહાસમાં લેવાઇ છે. આમ દરેક ક્ષેત્રમાં ઇસ્લામે સ્ત્રી અને પુરુષના સમાન સામાજિક દરજજાનો સ્વીકાર કર્યો છે.
એક હદીસમાં કહેવામાં આવ્યું છે, ‘લિબાસ એટલે કે પોશાક જેમ શરીરને રક્ષણ અને શોભા આપે છે તેમ સ્ત્રી અને પુરુષ બંને જીવનને રક્ષણ અને શોભા આપે છે.’

No comments:

Post a Comment