Thursday, August 13, 2009

Hazrat Rabiya Basari : Prof. Mehboob Desai

હઝરત રાબીયા બસરી

મહેબૂબ દેસાઈ

" હું " પદનું વિસર્જન એ સૂફી વિચારધારાના કેન્દ્રમાં છે. પરમાત્મા અને આત્મા એકાકાર થાય છે, ત્યારે એક સૂફીનું સર્જન થાય છે. હઝરત રાબીયા એવા જ એક સૂફી હતા. બચપણમાં માતાના પ્રેમથી વંચિત રહેનાર રાબિયાને પિતા ઈસ્માઈલે ગરીબીમાં પણ પ્રેમથી ઉછેર્યા હતા. પિતાના અવસાન પછી બસરાના બઝારમાં રાબીયા ગુલામ તરીકે વેચાયા. એક અરબે તેમને ખરીદયા. એક દિવસ એ અરબને ત્યાં શરાબ અને કબાબની મહેફિલ ચાલતી હતી. રાબીયા મહેમાનોને ભોજન પીરસી રહ્યા હતા. એક અરબે શરાબના નશામાં માંસનો ટુકડો મોમાં મુકતા બાજુમાં બેઠેલા અરબને પુછયું ,
" માનવીના શરીરમાં પણ આવું જ માંસ હોઈ છે ?"
" હા "
પેલો શરાબી બોલ્યો ,
" મને ખાતરી કરાવ તો માનું "
અને ભોજન પીરસતા રાબીયાને રોકી , પેલા શરાબીએ તેમના પગમાંથી માંસનો ટુકડો કાપી બાજુના શરાબીને બતાવ્યો . એ જોઈ શરાબી બોલી ઉઠયો ,
" શુક્ર ખુદા , તારી કરામત અદભૂત છે."
અસહ્ય વેદનાથી પીડાતા હઝરત રાબીયાના કાને " શુક્ર ખુદા" શબ્દ પડ્યો . અને તેમણે "શુક્ર ખુદા" નું રટણ આરંભ્યું. થોડીવારમાં વેદના ઓસરવા લાગી.
આમ ખુદા સાથે રબીયાનો તંતુ પ્રથમવાર સધાયો. પછી તો રાત દિવસ રાબીયા પોતાની નાનકડી રૂમમાં ખુદાની ઈબાદત કરતા રહેતા . એક દિવસ તેમનો માલિક આ જોઈ ગયો. તેણે રાબિયાને તેની ગુલામીમાંથી મુક્ત કર્યા . જાણે પિંજરામાં પુરાયેલ પક્ષીને ઉડવા આકાશ સાંપડ્યું. અને રાબીયા સૂફીસંતોના સહવાસની શોધમાં નીકળી પડ્યા . વર્ષોની રઝળપાટ અને અનેક સંતો-ફકીરો સાથેના આધ્યત્મિક સમન્વયે રાબિયાને ખુદામય બનાવી મુક્યા.

હઝરત રાબીયા બસરીના હાજરજવાબી સ્વભાવની સાક્ષી પૂરતા અનેક કિસ્સાઓ પ્રચલિત છે.તેમના જવાબોની ખૂબી માત્ર જવાબ આપવા પુરતી સીમિત ન હતી.પણ આપના જવાબોમાં ઈબાદત દ્વારા આપે મેળવેલ જ્ઞાન પણ નીતરતું હતું.એક વખત એક શખ્સે માથા પર પટ્ટી બાંધી હતી.તેને જોઈ આપે પટ્ટી બાંધવાનું કારણ પૂછ્યું . પેલાએ કહ્યું ,
“મારું માથું દુઃખે છે."
આપે ફરમાવ્યું ,
"તારી ઉંમર કેટલી થઈ?”
પેલાએ કહ્યું , " ત્રીસ "
આપે ફરમાવ્યું ,
"તે ત્રીસ વર્ષની ઉંમરમાં ખુદાએ બક્ષેલ તન્દુરસ્તીનો શુક્ર અદા કરતી પટ્ટી ક્યારેય બાંધી છે? અને આજે એક દિવસના માથાના દુખાવામાં શિકાયતની પટ્ટી બાંધીને બધાને દેખાડ્યા કરે છે."

આપે એક વ્યક્તિને ચાર દીહરમ આપી , એક કામળો ખરીદી લાવવા કહ્યું . પેલાએ આપને પૂછ્યું,
"કામળો કાળો લાઉ કે સફેદ?”
આ જવાબ સાંભળી આપે દીહરમ પાછા લઈ લીધા અને દરિયામાં ફેંકતાં ફરમાવ્યું ,
" હજુ કામળો ખરીદ્યો પણ નથી ત્યાં તો કાળા અને સફેદનો ઝગડો તેં ઉભો કરી દીધો .ખરીદીને લાવીશ ત્યારે તો કઈ પરિસ્થિતિ હશે ખુદા જાણે ?"
અને આપે શરદીના એ કપરાં દિવસો કામળા વગર જ વિતાવ્યા.

હઝરત હુસેન બસરી હઝરત રાબીયાના જ્ઞાન અને ઈબાદતથી ખુબ પ્રભાવિત હતા . જ્યાં સુધી હઝરત રાબીયા તેમની ઉપદેશ સભામાં ન આવે ત્યાં સુધી તેઓ ઉપદેશ ન આપતા.એકવાર ઉપદેશ સભા ખચોખચ ભરાઈ ગઈ હતી , છતાં હઝરત હુસેન બસરીએ ઉપદેશ આપવાનો આરંભ ન કર્યો.અટેલે એક ભક્તે ટકોર કરતા કહ્યું ,

" સભામાં આપને સાંભળવા અનેક ઉચ્ચ અધિકારીઓ અને વિદ્વાનો આવ્યા છે. છતાં વૃદ્ધ રાબિયાની રાહ જોઈ , આ મહાનુભવોને શા માટે નારાજ કરો છો ? "
આપે અત્યંત શાંત સ્વરમાં ફરમાવ્યું ,
“જ્ઞાનનું જે શરબત મેં હાથી માટે તૈયાર કર્યું છે , તે કીડીઓ કેવી રીતે પચાવી શકશે ? "


એકવાર કેટલાક મુસ્લિમો આપની પાસે આવ્યા . આપે તેમને પૂછ્યું ,
" તમે ખુદાની બંદગી શા માટે કરો છો ? "
એકે જવાબ આપ્યો ,
"અમે જહન્નમ(નર્ક)ની યાતનાઓથી ડરીને ખુદાની બંદગી કરીએ છીએ . જેથી ખુદા જહ્ન્નમના બદલે અમને જન્નત (સ્વર્ગ) બક્ષે . અને દોઝકની આગથી અમે બચી જઈએ "
આપે ફરમાવ્યું ,
"અટેલે કે તમે સ્વાર્થી છો. જન્નતની તમન્નાએ બંદગી કરો છો."
આ સાંભળી એક મુસ્લિમ તુરત બોલી ઉઠયો ,
"આપ શા માટે ખુદાની બંદગી કરો છો ?"
આપે ફરમાવ્યું ,
"ખુદાની ઈબાદત એ તો ફર્ઝ છે. ખુદાએ જન્નત અને દોઝકનો ડર ન રાખ્યો હોત , તો પણ તેની બંદગી કરવાની આપણી ફરજ છે. માટે જ ડર અને અપેક્ષાથી મુક્ત થઈ , સ્વાર્થ વગર ખુદાની બંદગી કરો . એજ સાચી ઈબાદત છે."

એકવાર વસંત ઋતુ પુરબહારમાં ખીલી હતી . છતાં રાબીયા પોતાની ઝુંપડીમાં ઈબાદતમાં લીન હતા.
એક શિષ્યએ ઝુંપડીમાં પ્રવેશીને કહ્યું,
" આપ બહાર આવીને જુવો તો ખરા, વસંત પુરબહારમાં ખીલી છે. કુદરતની લીલા કેટલી સુંદર ભાસે છે."
બંધ આંખો સાથે જ હઝરત રાબીયા એટલુંજ બોલ્યા ,
" તું અંદર આવીને તો જો ખુદાની ખુબસુરતી કેવી અદભુદ છે."


એકવાર બે મહેમાનો રાબિયાને મળવા આવ્યા . ભોજનનો સમય થયો એટલે રાબિયાએ પોતાની પાસે ઢાંકી રાખેલી બે રોટી તેમને આપી. મહેમાનો ભોજન આરંભે તે પહેલાં એક ફકીર આવી ચડ્યો. અને તેણે ભોજન માટે કઈક માગ્યું
રાબિયાએ પેલી બે રોટી. મહેમાનો પાસેથી લઈ, ફકીરને આપી દીધી. આથી પેલા બંને મહેમાનોને નવાઈ લાગી.છતાં તેઓ ચુપ રહ્યા. થોડીવારે એક બાઈ ઝુપડીમાં પ્રવેશી. તેના હાથમાં રોટલીઓ હતી. હઝરત રાબિયાને તે આપતા બોલી,
" મારી શેઠાણીએ આપને માટે રોટલીઓ મોકલી છે."
રાબિયાએ રોટલીઓ હાથમાં લઈ ગણી.અને પછી પાછી આપતા કહ્યું,
"તારી શેઠાણીએ રોટલીઓ મોકલવામાં ભૂલ કરી છે. પાછી લઈ જા"
પેલી બાઈ રોટલીઓ પાછી લઈ ગઈ અને પોતાની શેઠાણીને કહ્યું,
"હઝરત રાબિયાએ રોટલીઓ ગણીને પરત કરી છે"
શેઠાણીએ ચુપચાપ એ રોટલીઓમાં બે રોટલી ઉમેરીને હઝરત રાબિયાને પરત કરી. રાબિયાએ તે સ્વીકારી લીધી અને બધાએ ભોજન કર્યું. આ ઘટના જોઈ રહેલા બંને મહેમાનોમાંથી એકે પૂછ્યું,
"આપે રોટલીયો પાછી શા માટે મોકલી ? આપણે જેટલી રોટલીયો હતી તેમાં જ ચલાવી લેત "
હઝરત રાબીયાએ એક નજર એ મહેમાન પર કરી,પછી બોલ્યા,
"ખુદાનો કોલ છે કે મારો બંદો જેટલી ઝકાત (દાન) આપશે તેના કરતા બમણું હું તેને આપીશ. મહેમાનો પાસેથી લઈને મેં બે રોટી ફકીરને આપી હતી.એ બે ના બદલે બમણી, વીસ રોટલીયો ખુદાએ મોકલવી જોઈએ.પણ રોટલીયો ૧૮ જ હતી .એટલે મેં તે પરત કરી .ખુદાનો કોલ ક્યારેય ખોટો નથી હોતો.”

No comments:

Post a Comment