Wednesday, August 12, 2009

હિજરી સંવતને ઓળખીએ : ડો. મહેબૂબ દેસાઈ

હિજરી સંવતને ઓળખીએ

ડો. મહેબૂબ દેસાઈ

‘મહોરમ’ માસ ઇસ્લામના કેલેન્ડર પ્રમાણે પ્રથમ માસ છે. જોકે મહોરમ શોક-ગમનો માસ છે. તેના નવ અને દસમા ચાંદે હજરત ઇમામ હુસેન (ર.અ.)ની કરબલાના મેદાનની શહાદતને ઇસ્લામના અનુયાયીઓ યાદ કરે છે. ગાંધીજીએ જેમને વિશ્વના પ્રથમ સત્યાગ્રહનું બિરુદ આપ્યું છે, એવા હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ના નવાસા હજરત ઇમામ હુસેન (ર.અ.) યઝદીના અત્યાચારો સામે શહીદ થયા. સત્ય અને અસત્યના એ યુદ્ધમાં ભલે અસત્યનો ક્ષણિક વિજય થયો, પણ હજરત ઇમામ હુસેન (ર.અ.)ની શહાદત આજે પણ વિશ્વ યાદ કરે છે અને એટલે જ મહોરમ માસમાં મોટે ભાગે મુસ્લિમોે શુભ પ્રસંગો કરતા નથી.

ઇસ્લામિક કેલેન્ડરમાં પણ બાર માસ છે. એ મુજબ મહોરમ, સફર, રબ્બી ઉલ અવ્વલ, રવ્વી ઉલ આખીર, જમા ઉલ આબીર, જુમેદ અલ ઉમ્મર, રજબ, શાબાન, રમજાન, સવાલ, જીલ્કાદ અને જીલ્હેજ. ઇસ્લામી કેલેન્ડરનો આરંભ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) મક્કાથી મદીના હિજરત (પ્રયાણ) કરી ગયા ત્યારથી થયો છે. હિજરી સંવતનો આરંભ પણ એ જ ઘટનાને કારણે થયો છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) એ ઇસુ અર્થાત્ ઇ.સ.ની ૧ જુલાઇ ૬૨૨ના રોજ મક્કાથી મદીના હિજરત કરી હતી.

મક્કાવાસીઓનો વિરોધ એ માટે કારણભૂત હતો. મહંમદ સાહેબ (સ.અ.વ.) તેનાથી કંટાળી મદીના જવા નીકળ્યા. એ ઘટનાને ઇસ્લામમાં ‘હિજરત’ અર્થાત્ પ્રયાણ કહે છે. એ દિવસથી હિજરી સંવતનો આરંભ થયો. ઇસ્લામિક વર્ષ ગણના માટેની તે ધાર્મિક સંવત છે. જેમ હિંદુ સાલ ગણના માટે વિક્રમ સંવતનો ઉપયોગ થાય છે. હિજરી મહિનાઓ ચાંદ (ચંદ્ર) પ્રમાણે ચાલે છે. ચંદ્રની ગતિ ઉપર દિવસનો આધાર છે. અને એટલે જ રમજાન માસ ઉનાળામાં પણ આવે છે, શિયાળામાં પણ આવે છે અને ચોમાસામાં પણ આવે છે.

હિજરી સંવતની મૂળભૂત વિશિષ્ટતાઓ નોંધવા જેવી છે. એ મુજબ : ૧. હિજરી સંવત ચાંદ (ચંદ્ર)ની ગતિ પર ચાલે છે. ૨. અન્ય સંવતોથી હિજરી સંવતમાં માસના દિવસો ઓછા હોઇ, તે આગળ નીકળી જાય છે. ૩. તહેવારો સતત ફરતા રહે છે. ૪. ચાંદ (ચંદ્ર) દેખાય તો જ મુસ્લિમ માસ બદલાય છે. ૫. ઇસુના વર્ષ મુજબ દિવસ રાત્રે બાર વાગ્યે બદલાય છે જયારે હિજરી સંવતમાં દિવસ સૂર્યાસ્ત સમયે બદલાય છે. ૬. હિજરી સંવતમાં વિક્રમ સંવત જેવી તિથિ કે અર્ધતિથિ હોતી નથી. ૭. મહિનામાં એક એકાદશી જવાય છે અને ઉપવાસના બદલે આખું ભોજન લે છે. ૮. ઇસ્લામી કેલેન્ડરનો પવિત્ર માસ રમજાન છે. જેમ હિંદુ સંવતમાં શ્રાવણ માસ હોય છે. ૯. ઇસ્લામી કેલેન્ડરમાં પ્રથમ અને શોક-ગમનો માસ મહોરમ છે જેમાં શુભકાર્યો થતાં નથી.

હિજરી સંવત સાઉદી અરબ દેશો, યમન, ફ્રાંસની ખાડીના દેશો, તેમજ ભારતમાં અધિકòત સંવત તરીકે ચાલે છે. સંયુકત આરબગણ રાજય સીરિયા, જૉર્ડન અને મોરક્કોમાં હિજરી અને ઇસવીસન બંને ચાલે છે પરંતુ ઇસ્લામના અનુયાયીઓ ધાર્મિક-સામાજિક પ્રસંગો હિજરી સંવત મુજબ જ જવે છે, ગોઠવે છે.

ભારતમાં મુસ્લિમોના આગમન બાદ હિજરી સંવત પ્રચારમાં આવેલ છે. તૂર્ક-અફઘાન અને મોગલ શાસકોના શાસનકાળ દરમિયાન ફારસી, અરબી ભાષાઓ રાજયભાષા બની હતી. એ જ રીતે હિજરી સંવતને પણ સરકારી સાલ ગણના તરીકે સ્વીકારવામાં આવી હતી.

આજે પણ હિજરી સંવત ભારતીય જનજીવનનો હિસ્સો બની રહી છે. મુસ્લિમ શાસનકાળ (ઇ.સ. ૧૨૦૬થી ૧૭૦૭) દરમિયાન મુસ્લિમ શાસકોએ સ્થાપત્યકલાના અદ્ભુત નમૂનાઓ ભારતને આપ્યા છે. જેમાં કુતુબમિનાર, લાલકિલ્લો, તાજમહાલ વગેરેનો સમાવેશ થાય છે. આવાં સ્મારકો અને ઐતિહાસિક દસ્તાવેજૉને જાણવા કે તેનો અભ્યાસ કરવા હિજરી સંવતનો ઉપયોગ થયો છે, પરિણામે હિજરી સંવતને ઇસવીસનમાં પરિવર્તિત કરવાનું પ્રયોજન વારંવાર થાય છે. હિજરી સંવતને ઇસવીસનમાં બદલવા માટે અત્યંત સરળ રીત છે.

જેમ કે સર્વપ્રથમ હિજરી સંવતમાંથી ત્રણ ટકા આંક બાદ કરી, ૬૨૨નો આંક તેમાં ઉમેરી દો. જેથી ઇસવીસનની સાલ મળી જશે. દા.ત. હિજરી સંવત ૮૧૫ની ઇસવીસન શોધવા માટે ૮૧૫માંથી તેના ત્રણ ટકા લેખે ૨૫ બાદ કરો એટલે ૭૯૦ આવશે. ૭૯૦માં હિજરીના ૬૨૨ ઉમેરો એટલે ઇસવીસન ૧૪૧૨ આવી જશે એટલે કે હિજરી સંવત ૮૧૫ની ઇ.સ. ૧૪૧૨ થાય. હિજરી સંવતની આટલી ટૂંકી ચર્ચા ઇસ્લામી કેલેન્ડર અને માસની જાણકારી ઇરછતા સૌ માટે ખૂબ ઉપયોગી થઇ પડશે.

No comments:

Post a Comment