Saturday, July 4, 2009

Muhammad Saheb in Bhavishya Puran

ભવિષ્ય પુરાણમાં મહંમદ સાહેબ (સ.અ.વ.) ના આગમનની આગાહી

Mehboob Desai



મહંમદ સાહેબ (સ.અ.વ.) ના આગમન પૂર્વે જ તેમનો પ્રભાવ દૂરદેશાવર અને ભારત સુધી પ્રસરશે એમ કહેનાર ભવિષ્ય પુરાણની ભવિષ્યવાણી માટે આદર છે.

‘રાહે રોશન’ના ૨૯-૧૨-૨૦૦૮ના અંકમાં ‘ઉપનિષદમાં અલ્લાહનો મહિમા’ લેખ પ્રસિદ્ધ થયો હતો.

એ લેખ ‘બઝમે વફા’ નામક વેબસાઇટના મેગેઝિનમાં ‘દિવ્ય ભાસ્કર’ના સૌજન્યથી મુકાયો હતો. એ લેખ ટોરોન્ટોમાંથી પ્રસિદ્ધ થતા ગુજરાતી અઠવાડિક ‘સ્વદેશ’માં ‘ધર્મશાસ્ત્ર’ નામક કોલમ લખતા જવાબ કાસિમ અબ્બાસ સાહેબના વાંચવામાં આવ્યો, અને તેમણે ‘દિવ્ય ભાસ્કર’ના લેખમાં ઉમેરણ કરતી ૨૩ વર્ષ જૂની એક પત્રિકાની ફોટો કોપી ‘બઝમે વફા’ વેબસાઇટને મોકલી.

એ પત્રિકા ‘મિલ્લત’ નામના મુસ્લિમ સામયિકના ૩૧-૩-૧૯૮૬ ના અંકમાં પ્રસિદ્ધ થઇ હતી. જેમાં લખ્યું હતું,‘હિંદુ ધાર્મિક ગ્રંથોમાંથી એક ગ્રંથ‘ભવિષ્ય પુરાણ’માં સંસ્કૃત ભાષામાં જે લખાણ છે તેનું ભાષાંતર આયશા બાવાણી વકફ દ્વારા અંગ્રેજીમાં પ્રગટ થયેલ ‘ઇસ્લામ તમામ પયગમ્બરોનો ધર્મ’ ના સૌજન્યથી અત્રે પ્રસિદ્ધ કરીએ છીએ. ભવિષ્ય પુરાણના પર્વ -૩, ખંડ-૩, અઘ્ય.-૩, શ્લોક ૫, ૬, ૭, અને ૮ ના સંસ્કત લખાણનું ભાષાંતર આ મુજબ થાય છે.

‘એક પરદેશી આઘ્યાત્મિક (રૂહાની) માર્ગદર્શક તેના સાથીઓ સાથે દેખા દેશે. તેનું નામ ‘મહામદ’ હશે. ગંગાજળ અને પવિત્ર દૂધમાં આ મહાદેવદૂત સમાન માર્ગદર્શકને, જે ‘મરુસ્થલ નિવાસીનમ્’ (રણપ્રદેશ અથવા રેતાળપ્રદેશનો રહેવાસી) હશે.

રાજા ભોજ તેનું શ્રદ્ધાપૂર્વક સન્માન કરશે અને કહેશે, ‘હું આપને પ્રણામ કરું છું ઓ માનવ જાતિના ગૌરવ, રણપ્રદેશ (અરબ દેશ)ના રહેવાસી. આપની પાસે શૈતાનોને માત કરવાની શક્તિ છે. ઓ પવિત્ર મહાન માલિક (ઈશ્વર)ના પ્રતિબિંબ સમા, હું આપનો સેવક છું. મને આપના ચરણોમાં શરણાગતિ આપો.’

હિંદુ ધર્મના પ્રાચીન ગ્રંથ ભવિષ્ય પુરાણમાં હજરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) ના આગમનની આગાહી કરતા ચાર શ્લોકોનું અર્થઘટન કરતા મહર્ષિ વ્યાસ નીચે મુજબનાં તારણો આપે છે.

- સંસ્કૃતના મૂળ લખાણની બીજી લીટીમાં પહેલો શબ્દ ‘મહામદ’ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)નું નામ સૂચવે છે.

- ત્રીજી લીટીમાં છેલ્લો શબ્દ ‘મરુસ્થલ નિવાસીનમ્’ માં મરુસ્થલનો અર્થ રણપ્રદેશ અથવા રેતાળ જમીન થાય છે. તથા ‘નિવાસીનમ્’ નો અર્થ રહેવાસી થાય છે. એ મુજબ હજરત મહંમદ (સ.અ.વ.)ના દેશનું નામ (અરબ દેશ) પણ બરાબર મળતું આવે છે.

- પયગમ્બર સાહેબ તમામ પાપોથી મુકત ફરિશ્તા સમાન સદગુણી હશે.રાજા ભોજ તેમનું શ્રદ્ધાપૂર્વક સન્માન કરશે.

- પયગમ્બર સાહેબ (સ.અ.વ.) શૈતાનોનો નાશ કરશે, દુર્ગુણોનો નાશ કરશે.

- પયગમ્બર સાહેબ (સ.અ.વ.) ખુદા (ઈશ્વર)ના પ્રતિનિધિ હશે. તમામ માનવજાત માટે તે ગૌરવરૂપ હશે.

હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) ના આગમન પૂર્વે ભવિષ્ય પુરાણમાં તેમના આગમન માટે થયેલી આ આગાહી સાચે જ ઇસ્લામ માટે ગૌરવરૂપ છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) ના આગમન પૂર્વે જ તેમનો પ્રભાવ દૂરદેશાવર અને ભારત સુધી સુધી પ્રસરશે એમ કહેનાર ભવિષ્ય પુરાણની ભવિષ્યવાણી માટે આદર છે. ટૂંકમાં ‘રાહે રોશન’ કોલમ કેનેડા અને આંતરરાષ્ટ્રીય વેબસાઇટ સુધી પહોંચી છે તે આનંદની ઘટના છે.

No comments:

Post a Comment