Monday, July 27, 2009

Bimarpursi : Prof. Mehboob Desai

બીમાર પુર્સી ઉમદા પુણ્ય

ડો.મહેબૂબ દેસાઈ

બીમાર વ્યક્તિની વ્યથા અને કથા અનેરી હોય છે. પીડાની પરંપરા અને તેની પરાકાષ્ઠા બીમાર વ્યક્તિ માટે સહેવી મુશ્કેલ હોય છે. એવા સમયે સાંત્વનના બે શબ્દ બીમાર વ્યક્તિ માટે આશીર્વાદરૂપ બની રહે છે.

ઇસ્લામે પણ બીમાર વ્યક્તિનાં ખબરઅંતર પૂછવાની ક્રિયાને સવાબ ગણેલ છે. તેના માટે ‘બીમાર પુર્સી’ શબ્દ વાપરવામાં આવ્યો છે. હજરત મહંમદ પયગમ્બર સાહેબ(સ.અ.વ.) એ ઇસ્લામના અનુયાયીઓને પાંચ આદેશ આપ્યા છે.

(૧) સલામનો જવાબ આપવો.
(૨) બીમારનાં ખબરઅંતર પૂછો.
(૩) જનાજાને કાંધ આપો.
(૪) નિમંત્રણનો સ્વીકાર કરો.
(૫) છીંક સમયે અલ્લાહને યાદ કરો.

બીમાર માનવી ગમે તે કોમ કે જાતિનો હોય પણ તમારો પાડોશી, પરિચિત કે સંબંધી હોય તો તેનાં ખબરઅંતર પૂછવા જાવ કારણ કે તે એક ઉમદા કાર્ય છે.

ઇસ્લામમાં અનુયાયીઓ માટે હજરત મહંમદ પયગમ્બર સાહેબ(સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે ‘જ્યારે કોઇ બીમારનાં ખબરઅંતર પૂછવા જાવ ત્યારે તેની પેશાની (કપાળ) પર પ્રથમ હાથ ફેરવી પછી તેને આશ્વાસન કે હિંમત આપો. પછી તેના સાજા થવા માટે ખુદાને પ્રાર્થના કરો.’

હજરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) ખુદ બીમારનાં ખબરઅંતર પૂછવા જતાં. તેમની એ ક્રિયામાં મુસ્લિમ કે ગેર મુસ્લિમ જેવા ભેદ ન હતા. યહૂદીઓની ખબર પૂછવા આપ જતાં અને તે જલદી સાજા થઇ જાય તેની દુવા પણ કરતાં કારણ કે,‘કોઇ પણ બીમાર પાસે બેસવું, તેને હિંમત આપવી એ એવું પુણ્ય છે કે ખુદા તમારી રોજીમાં બરકત આપે છે.’

ઇસ્લામના સિદ્ધાંતો કહે છે કે બીમારને કોઇ દિવસ ધિક્કારો નહીં, ધ્ૃણા કરો નહીં, તેના રોગની ટીકા-ટિપ્પણ કરો નહીં કે તેના રોગની ગંભીરતાની તેની રૂબરૂમાં ચર્ચા કરો નહીં. એક વાર હજરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) એક બીમારનાં ખબરઅંતર પૂછવા ગયા. માથે હાથ ફેરવતાં આપે પૂછ્યું, ‘તને શું થયું?’

‘કમબખ્ત તાવ આવે છે.’

આપે (સ.અ.વ.) તરત ફરમાવ્યું ‘તાવને કોસો નહીં. જેમ ભઠ્ઠી લોખંડના મેલને દૂર કરે છે તેમ તાવ શરીર અને મનના ગુનાહને ધુએ છે.

જેમ બીમાર વ્યક્તિ માટે આપણે દુવા કરીએ છીએ. તેમજ બીમાર વ્યક્તિ પણ તમારા માટે દુવા કરે, તો તેની દુવા કબૂલ થાય છે. હજરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) ફરમાવે છે,‘બીમાર વ્યક્તિ તમારા માટે પ્રાર્થના કરશે તો ખુદા તેને સાચા ફરિશ્તાની પ્રાર્થના ગણી તરત કબૂલ કરશે.’

બીમારીમાં માનવી માનવીની હમદર્દી ચાહે છે. હમદર્દી વ્યકત કરવાનો એ ઉમદા માર્ગ છે. ‘બીમાર પુર્સી’ ચાલો આપણે પણ તે અપનાવી ખુદાની મહેરબાનીના હક્કદાર બનીએ.

No comments:

Post a Comment