Tuesday, June 30, 2009

Sufi Saint : Satar shah: Prof.Mehboob Desai

સફર કા સૌદા કરલે મુસાફીર : સત્તારશાહ બાપુ


ડો. મહેબૂબ દેસાઈ


ખુદા-ઇશ્વરના અસ્તિત્વને આવી સુંદર શૈલીમાં સાકાર કરનાર સૂફીસંત સત્તારશાહ બાપુ (ઇ.સ. ૧૮૯૨થી ૧૯૬૬)નાં ભજનો અને આઘ્યાત્મિક ગઝલો આજે પણ ગુજરાતમાં ગવાય છે. ૮થી ૧૧ વર્ષ સુધી ઠેર ઠેર રખડી, અનેક લોકોના સંપર્કમાં આવી સત્તારે જીવનજ્ઞાન મેળવ્યું હતું. તેમનાં જ્ઞાન અને વાણીના ચમકારાથી ભાવનગરના મહારાજા ભાવસિંહજી પણ અંજાયા હતા. બંને વરચે ઘનિષ્ઠતા હતી. સત્તારશાહ ભાવસિંહજીને ભાવતાં અથાણાંની બરણી ભેટમાં મોકલતાં. અને જયારે સત્તારશાહ ભાવનગર આવતા ત્યારે શાહી મહેમાન બનતા. પણ એક દિવસ સત્તારશાહનો માયલો બોલી ઉઠયો.

‘સફર કા સૌદા કરેલ મુસાફરી અસલ વતન કો જાના પડેગા’

અને બાવીસ વર્ષના સત્તારશાહનું મિલન સંત અનવરમિયાં સાથે વડોદરામાં થયું. જ્ઞાનના પિપાસુ સત્તારશાહે અનવરમિયાંને પ્રથમ મુલાકાતમાં જ પ્રશ્ન કર્યો,

‘મરના મરના સબ્ર કહે, કૌન ચીજ મર જોયે?’

એક પળનો પણ વિચાર કર્યા વગર સંત અનવરમિયાં બોલી ઉઠયા.

પાંચ તત્ત્વ શરીર કે, વો આપમેં આપ સમાયે.’

એ દિવસથી સત્તારશાહે સૂફી ચોગો ધારણ કર્યો. ઇ.સ. ૧૯૧૬માં છોટા ઉદયપુરના ચિશ્તીયા સંપ્રદાયના કાઝી અબ્દુલ હસન ઉર્ફે દાદમિયાં સાહેબના હાથે ફકીરીની દીક્ષા લેવા પહોંચી ગયા. ત્યારે દાદામિયાં બાપુએ સત્તારને કહ્યું,

‘બેટા, ફકીરી બે પ્રકારની છે. એક સંપૂર્ણ ફકીરી અને બીજી ગૃહસ્થી ફકીરી. જેમાં સંસારમાં રહીને ઇબાદત કરવાની છે.’

સત્તારશાહે સંપૂર્ણ ફકીરીની દીક્ષા માગી. દાદામિયાંએ સત્તારશાહને દીક્ષા આપતા ઉપદેશ આપ્યો.

‘બેટા, વેદ અને કુરાનને એક દૃષ્ટિથી જોજે. હિંદુ-મુસ્લિમ સર્વે એક માલિકનાં સંતાનો છે. તું કોમવાદની દૂર રહેજે. દરેકને જન્મ-મરણ સરખા છે. દરેકના દરૂન-કરૂન પણ સરખા છે. બધા જ જીવે છે બધા જ મરે છે ત્યારે પૃથ્વીમાં જ ભળે છે.’

સત્તારશાહ બાપુએ ફકીરી ધારણ કરી અને લખ્યું,

‘કિસીકી યાદમેં અય દિલ તુઝે દીવાનગી છાઇ, તેરી અબ તો સરે બાઝાર મેં હોતી હૈ રુશ્વાઇ’

પછી તો સત્તારશાહ બાપુના ભકતો વધતા ગયા. તેમનાં ભજનો અને આઘ્યાત્મિક ગઝલો ભાવનગર, ઘોઘા, તળાજા, સિહોર, પાલિતાણા, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતમાં ઠેરઠેર ગવાતાં થયાં. ભાવનગરના દીવાનપરા રોડ પર તેમનાં ભજનો સાંભળવા માનવ મહેરામણ ભરાતું.

‘કોને કહું દિલડાની વાતું, નથી રહવાતું, નથી સહેવાતું

જેને જેને કહું તે તો કહ્યું ન માને, મૂરખ ગણી મને મારે લાતું.’

ખુદાની ઇબાદતમાં ચોવીસ કલાક લીન રહેનાર સત્તારશાહ બાપુને મળવા આવનારાઓની સંખ્યા વધતી ચાલી, સૌ બાપુ પાસે આશિષનાં બે વચનો માટે વિનવણી કરતા, ત્યારે બાપુ માત્ર એટલું જ કહેતા,

‘આગે પીછે નૂર હય, ઔર ઉપર નીચે નૂર, આજુ બાજુ નૂર હય, નૂર મેં તું ભરપૂર’

છેલ્લા દિવસોમાં તો બાપુની ઇબાદત પરાકાષ્ઠાએ પહોંચી હતી. ઇબાદતની કષ્ટદાયક ક્રિયાએ બાપુને થકવી નાખ્યા હતા. બાપુ માંદા રહેતા. ૧૫ જાન્યુઆરી ૧૯૬૫ના રોજ તેમના ભકત બરવાળાના પ્યારઅલી હરખજીને છ પૈસાના પોસ્ટકાર્ડમાં લખ્યું હતું,

‘હજુ સુધી મને બરોબર આરામ લાગતો નથી. જિંદગી હશે તો હોળી પછી તમારા તરફ આવીશ. બરવાળાના તથા રોજીતના સર્વે હિંદુ-મુસ્લિમ ભાવિકોને આશીર્વાદ કહેજો’ પણ બાપુની બરવાળા આવવાની ઇરછા પૂર્ણ ન થઈ. ૧૮-૨-૧૬૬ના રોજ રાજપીપળામાં વાતચીત કરતાં કરતાં જ સત્તારશાહ બાપુની વફાત થઇ. ત્યારે હિંદુ-મુસ્લિમ સમાજની આઘ્યાત્મિક સદ્ભાવનાને વાચા આપતો એક સૂફીસંત ખાકમાં મળી ગયો.

No comments:

Post a Comment