Sunday, June 14, 2009

ઇસ્લામિક શબ્દો : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામી સંસ્કૃતિને વ્યકત કરતા શબ્દો

ડો. મહેબૂબ દેસાઈ

‘રાહેરોશન’ કોલમના હિંદુ-મુસ્લિમ વાચકો કોલમમાં વપરાતા કેટલાક શબ્દોનો પરિચય માગે છે. આજે એ શબ્દોનો તમને પરિચય કરાવીએ.

સૌ પ્રથમ તો હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાથે વપરાતા સ.અ.વ. અક્ષરોનો અર્થ વાચકો જાણવા ઉત્સુક છે. ઇસ્લામના એકમાત્ર પયગમ્બર મહંમદ સાહેબના નામ સાથે જ સ.અ.વ. અક્ષરો મુકાય છે. સ.અ.વ. એ એક પ્રકારની દુવા-પ્રાર્થના છે. સ.અ.વ. અક્ષરોનો પૂર્ણ ઉરચાર ‘સલ્લલ્લાહો અલયહે વસલ્લમ’ થાય છે. તેનો અર્થ ‘તેમના પર અલ્લાહના આશીર્વાદ અને શાંતિ વરસો છે.’ મહંમદ સાહેબ સાથે કેટલાક ઇસ્લામિક ગ્રંથોમાં માત્ર સ.અ. પણ લખવામાં આવે છે. જેનો પૂર્ણ ઉરચાર ‘સલતાતુલ્લાહે અલયહે’ થાય છે. એટલે કે ‘તેમના ઉપર અલ્લાહની રહેમત રહો.’

સ.અ.વ. અને સ.અ. આ બંને શબ્દો માત્ર હજરત મહંમદ પયગમ્બર સાહેબ માટે જ લખાય છે. અન્ય પયગમ્બરો કે ઓલિયાઓ અંગે તેનો ઉપયોગ થતો નથી. કેટલાક વાચકો ‘પયગમ્બર’ અને ‘ઓલિયા’ શબ્દનો અર્થ પણ પૂછે છે, પયગમ્બર શબ્દ ‘પૈગામ’ પરથી આવ્યો છે. ‘પૈગામ’ એટલે સંદેશ. પૈગામ લાવનાર એટલે પયગમ્બર. એ અર્થમાં ખુદાનો પૈગામ લાવનાર મહંમદ સાહેબને પયગમ્બર કહેવામાં આવે છે. ‘ઓલિયા’ શબ્દ પણ ઉર્દૂ-અરબી ભાષાનો છે. મૂળ શબ્દ છે ‘વલી’. ‘વલી’નું બહુવચન ‘ઓલિયા’ થાય છે. ‘ઓલિયા’ એટલે વલી, પીર કે દોસ્ત.

‘ઓલિયા’શબ્દનો સામાન્ય અર્થ ‘ખુદામાં મસ્ત ભોળો માનવી’ એવો થાય છે અને એ જ અર્થમાં વપરાય છે. ‘ઓલિયા’ શબ્દ માત્ર પુરુષો માટે વપરાય છે. જયારે સ્ત્રીઓ માટે ‘ઓલિયન’ શબ્દ છે પણ તેનો ખાસ ઉપયોગ થતો નથી.

એવો જ એક શબ્દ વારંવાર ઇસ્લામિક સાહિત્યમાં વપરાય છે ‘લિલ્લાહ’. ‘લિલ્લાહ’ પણ ઉર્દૂ-અરબી શબ્દ છે. જેનો અર્થ થાય છે ‘ખુદાને માટે, ખુદાના નામે કે ખુદા પાસે’ થાય છે. મુસ્લિમો એક શબ્દ વારંવાર બોલે છે. ‘અસ્તગફેરૂલ્લાહ’ જેનો અર્થ થાય છે ‘અલ્લાહ પાસે માફી માગું છું.’

હજરત મહંમદ પયગમ્બર સાથે એક અન્ય શબ્દ ‘ગૌસ પાક’ મુસ્લિમો વાપરે છે. ‘ગૌસ’ અને ‘ગોશ:’ બંને શબ્દો ભિન્ન અર્થ ધરાવે છે. ‘ગૌસ’ શબ્દનો અર્થ થાય છે ફરિયાદ સાંભળનાર. મહંમદ સાહેબ માટે ‘ગૌસ-એ-આઝમ’ શબ્દ પણ વપરાય છે.

એ અર્થમાં સૌથી મોટા ફરિયાદ સાંભળનાર વલી, પયગમ્બર. જયારે બીજો શબ્દ ‘ગોશ:’ છે. જેનો અર્થ થાય છે એકાંત. એકાંતમાં ખુદાની યાદમાં લીન રહેનાર માટે પણ ‘ગૌશ:’ શબ્દ વાપરવામાં આવે છે.

ઇસ્લામમાં ‘કુતુબખાના’ શબ્દ પ્રચલિત છે. ‘કુતુબ’ એ ‘કિતાબ’નું બહુવચન છે. એ અર્થમાં કિતાબઘર કે પુસ્તકાલયને ‘કુતુબખાના’ કહે છે. ઇસ્લામના અન્ય મહાનુભાવો, પયગમ્બરો કે ઓલિયાઓને માનવાચક સંજ્ઞાઓ સાથે સંબોધવામાં આવે છે. અ.સ. શબ્દનો પ્રયોગ થાય છે. અ.સ.નો પૂર્ણ ઉરચાર ‘અલયહસ સલામ’ થાય છે એટલે કે તેમના ઉપર સલામ, એ જ રીતે ર.અ. શબ્દનો પ્રયોગ પણ થાય છે. ર.અ.નો પૂર્ણ ઉરચાર ‘રહેમતુલ્લાહ અલયહી’ થાય છે.

અર્થાત્‘તેમના પર અલ્લાહની રહેમત (કૃપા) વરસો’ મહંમદ સાહેબ પછીના ક્રમમાં આવતા પયગમ્બરો કે ઓલિયાઓ માટે આ શબ્દોનો ઉપયોગ થાય છે. કોઇ પણ મુસ્લિમ કાર્યના આરંભ પૂર્વે ‘બિસ્મિલ્લાહ’ કહેવાનું પસંદ કરે છે. જેનો અર્થ થાય છે. ‘શરૂ કરું છું અલ્લાહના નામથી.’ એક અન્ય શબ્દનો મુસ્લિમો વારંવાર ઉપયોગ કરે છે. ‘સુબહાનલ્લાહ’ અર્થાત્ ખુદાની પ્રશંસા-ગુણગાન.

નમાજ માટે આમંત્રણ આપતી ક્રિયાને ‘અઝાન’ કહે છે. અઝાનના આરંભમાં જ ‘અલ્લાહુ અકબર’ શબ્દનો પ્રયોગ થાય છે. ‘અલ્લાહુ અકબર’ એટલે ઇશ્વર-ખુદા સૌથી મહાન છે. ઇસ્લામમાં આભાર માટે પણ એક સુંદર શબ્દ ‘જઝાકલ્લાહ’ બોલવામાં આવે છે. અર્થાત્ ‘તમારા આ સદ્કાર્ય માટે અલ્લાહ તમને અચૂક બદલો આપે.’

અને અંતે મુસ્લિમ બિરાદરોમાં અભિવાદ માટે ‘અસલ્લામુ અલૈકુમ’ શબ્દ વપરાય છે. કોઇ જાણીતું કે અજાણ્યું મળી જાય ત્યારે આ શબ્દ વપરાય છે. જેનો અર્થ થાય છે, અલ્લાહ આપના પર શાંતિ-સલામતી બરકરાર રાખે. તેના ઉત્તરમાં ‘વઆલેકુમ્ અસ્લામ’ કહેવામાં આવે છે. એ પણ એ જ સૂચવે છે. ‘અલ્લાહ આપ ઉપર પર શાંતિ અને સલામત વરસાવે.’ ઇસ્લામી સંસ્કòતિની તહેઝીબ અને તમીઝને વ્યકત કરતા આ શબ્દો ઇસ્લામના સાચા ઉદ્દેશને વારંવાર વ્યકત કરતા નથી લાગતા?

No comments:

Post a Comment