Sunday, June 14, 2009

Prof. Mehboob Desai on "AHERAM"

હાજીઓ અહેરામની આમન્યા જાળવજો...

ડો. મહેબૂબ દેસાઈ

2009 ગુજરાત રાજય હજ કમિટી દ્વારા હજયાત્રાએ જનાર હાજીસાહેબોનું પ્રથમ વિમાન મક્કા-મદિના જવા અમદાવાદથી પ્રયાણ કરશે. મારા મામા કરીમભાઈ અને મામી હલીમાબહેન અમદાવાદથી બીજા વિમાનમાં હજયાત્રાએ જઈ રહ્યાં છે. ભાવનગરમાં ક્ષમા-યાચના (માફામાફી) કરી ગત રવિવારે તેઓ અમદાવાદ જવા નીકળ્યાં ત્યારે મેંે તેમને કહ્યું, ‘મામા, હજયાત્રા દરમિયાન અહેરામની આમન્યા જાળવજો.’
હજયાત્રાએ જનાર દરેક મુસ્લિમ બિરાદર હજયાત્રાનો આરંભ કરતાં પૂર્વે અહેરામ ધારણ કરે છે. અહેરામ એટલે સફેદ કપડું જે હજયાત્રા દરમિયાન શરીરને ઢાંકવા પહેરવાનું હોય છે. જો કે શરીરને ઢાંકવા પૂÊરતું જ તેનું મહત્ત્વ નથી. સાચા અર્થમાં અહેરામ ત્યાગ, સમર્પણ અને સબ્રનું પ્રતીક છે. હજયાત્રાએ જનાર સૌ હાજીઓ દુનિયાદારીનાં સીવેલાં વસ્ત્રો, રંગબેરંગી વસ્ત્રોનો ત્યાગ કરે છે અને માત્ર સફેદ કાપડ શરીર પર ધારણ કરે છે. અમદાવાદના વિમાનીમથકે હાજીઓ માટે ભા કરાયેલા તંબૂઓમાં હજારોની સંખ્યામાં હાજીઓ અહેરામ ધારણ કરતા જૉવા મળશે ત્યારે આખું વિમાનીમથક અને તેની આસપાસનો વિસ્તાર સફેદ અહેરામ ધારણ કરેલા હાજીઓથી પવિત્ર બની જશે.
‘અહેરામ’ની અહેમિયત હજયાત્રાએ જનારા સૌએ જાણવી-સમજવી જરૂરી છે. માનવી દુનિયામાં હંમેશાં ભૌતિક અને દુન્યવી આચારો-વિચારોનાં વસ્ત્રોથી ઢંકાયેલો રહે છે. એ આચારો-વિચારોમાં રાગ, દ્વેષ, ક્રોધ, મોહ, માયા જેવાં અનેક બંધનોથી માનવી જકડાયેલો રહે છે. હજયાત્રાએ જનારો દરેક મોમીન (મુસ્લિમ) દુન્યવી વસ્ત્રોનો ત્યાગ કરી નૈતિક અને આઘ્યાત્મિક વસ્ત્રો ધારણ કરે છે. અહેરામ આ જ ઉદ્દેશને સાકાર કરે છે. દુનિયાનાં વસ્ત્રો એટલે માત્ર સીવેલાં રંગબેરંગી વસ્ત્રો જ નહીં પણ માનવીની સ્થાવર - જંગમ મિલકતો કે જેના મોહથી માનવી દુનિયામાં ઢંકાયેલો રહે છે, તેનાથી તે શોભે છે. તેનાથી તેની પ્રતિષ્ઠા, માન-મોભો હોય છે. તેનો ત્યાગ, તેના મોહમાંથી મુકિત અહેરામના ધારક માટે જરૂરી છે. દુન્યવી આચારો એટલે સામાજિક, આર્થિક, રાજકીય મોહ, માયા, લાલસા, ઈર્ષા, દ્વેષ, આકાંક્ષા, અપેક્ષા કે એવી અનેક લાગણીઓ જે માનવીને ખુદાની ઇબાદતમાં એકાગ્રતા કેળવવામાં અડચણરૂપ બને છે. આવાં ભૌતિક અને દુન્યવી વસ્ત્રોના આચાર-વિચારનો ત્યાગ એટલે અહેરામ.
‘અહેરામ’ શબ્દનો અર્થ પણ એ જ સૂચવે છે. અહેરામ એટલે ત્યાગ કરવું. હરામ કરવું. એક હદીસમાં આ અંગે નોંઘ્યું છે. ‘જે કાર્યોસામાન્ય જીવનમાં હલાલ (નૈતિક) છે તે અહેરામ ધારણ કર્યા પછી હરામ (અનૈતિક) બની જાય છે.
અહેરામની ક્રિયા એટલે ભૌતિક વસ્ત્રોના સ્થાને સીવ્યા વગરના સુતરાઉ કાપડના બે ટુકડા શરીર પર બાંધવાની ક્રિયા. એક ટુકડો શરીરના ઉપરના ભાગને ઢાંકે છે, તો બીજૉ ટુકડો શરીરના નીચેના ભાગને ઢાંકે છે. સફેદ કાપડના બે ટુકડા ધારણ કરવાની આ ક્રિયા ભૌતિક કરતા આઘ્યાત્મિક વિશેષ છે. શરીર પર અહેરામ બાંઘ્યા પછી હજયાત્રી દુનિયાની જંજાળોથી મન, વચન અને કર્મથી હજયાત્રા દરમિયાન દૂર રહેવાની પ્રતિજ્ઞા લે છે.
અહેરામ ધારણ કર્યા પછી રાગ-દ્વેષ, ક્રોધ, આવેગ, ઉશ્કેરાટ, મોહ, માયા કે સંસારી કોઈ પણ પ્રકારનાં બંધનોથી સંપૂર્ણ મુકત થઈ ખુદાની ઈબાદતમાં લીન થઈ જવાનું છે. અહેરામ ધારણ કર્યા પછી ઝઘડો કરવો, અપશબ્દ બોલવો, કોઈને પણ દુ:ખ લાગે તેવું નાનકડું પણ કાર્ય કરવું યોગ્ય નથી.
ખુદાની ઇબાદતમાં લીન થઈ જવાનો માર્ગ અહેરામ છે. એને ધારણ કરનારે હજયાત્રા દરમિયાન ખુદાની ઇબાદત સિવાય કશું જ વિચારવાનું રહેતું નથી. મુસ્લિમ સ્ત્રીઓને અહેરામ રૂપે રોજિંદાં વસ્ત્રો પહેરવાની છૂટ છે. પણ તેમના માટે પણ મુખ્ય શરત તો એ જ છે કે ખુદાની ઇબાદતમાં ખલેલ કરતી તમામ દુન્યવી બાબતોનો મન, વચન અને કર્મથી ત્યાગ કરવો અને એકાગ્રચિત્તે ખુદાની ઇબાદત (ભકિત) કરવી. કુરાને શરીફમાં કહ્યું છે, ‘હજના સમયમાં કોઈ જાતીય કòત્ય, દુષ્કòત્ય અને લડાઈ ઝઘડો ન કરો.’
હજયાત્રાએ જનારા સૌ મુસ્લિમ બિરાદરોને અહેરામની આમન્યા જાળવવામાં ખુદા મદદ કરે અને સૌની હજયાત્રા ખુદાતઆલા કબૂલ ફરમાવે તેવી દિલી દુવા-આમીન.
<

No comments:

Post a Comment