Sunday, June 14, 2009

Ishkullah By Prof. Mehboob Desai

‘ઇશ્કુલ્લાહ’ : અનમોલ વિરાસડો. મહેબૂબ દેસાઈ૧૭મી સદીના ગુજરાતના જાણીતા સૂફીસંત હજરત પીર મોહંમદશાહની અનેક રચનાઓ તેમની દરગાહ શરીફના કુતુબખાનામાં આજે પણ સચવાયેલ પડી છે. એ નાયાબ દોલતમાંથી તેમની એક રચના ‘ઇશ્કુલ્લાહ’નું પુન: પ્રકાશન પીર મોહંમદશાહ લાઈબ્રેરી એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તરફથી થયું છે. તસવ્વુફ અને મઝહબી માગદર્શન પર લખાયેલ આ પુસ્તક ફારસી-ગુજરી ઉર્દૂ ભાષામાં લખાયું છે. લગભગ પાંચસો વર્ષથી ગુજરાતમાં બોલાતી-લખાતી આ મિશ્ર ભાષાનું વિશ્લેષણ કે સંશોધન કરવું હોય તો ‘ઇશ્કુલ્લાહ’ પાયાની આધારભૂત સામગ્રી પૂરી પાડે છે. ખુદ પીર મોહંમદશાહ આ અંગે પુસ્તકમાં લખે છે,

‘હાતિફ તુફયલે પીર કે મુઝકો કિયા એસા નિદા, હિન્દી ઝંબામે કર બયાં અસરારે અનવરે ખુદા.’

હજરત પીર મોહંમદશાહ, (ર.ચ) હિજરી સંવત ૧૧૩૦ ઇ.સ. ૧૭૧૭ સુધી મુજાહિદહ અર્થાત્ ખુદાની ઇબાદતમાં લીન હતા. ખુદાનાં રહસ્યોથી વાકેફ થયા પછી આપે આઘ્યાત્મિક કાવ્યો લખવા માંડયાં. પીરનામહ, પીરગંજ, ખિલઅતે રાફે વગેરે કòતિઓની રચના આ સમય દરમિયાન જ થઈ. હિજરી સંવત ૧૧૪૦, ઇ.સ. ૧૭૨૭માં આપે ‘નરુશ શયખૂ’ ગ્રંથ લાખ્યો. એ પછી ઇશ્કેખુદામાં આપ પાછા લીન થઈ ગયા. સૂફીવાદમાં જેને ‘સકર’ની અવસ્થા કહે છે. ‘વહદતુલ વજૂદ’ અર્થાત્ ખુદાના ઇશ્કમાં થોડો સમય લીન રહ્યા પછી, આપ પુન: સ્વસ્થ થયા ત્યારે આપે ‘ઇશ્કુલ્લાહ’ કિતાબનું સર્જન કર્યું, એ હિસાબે ‘ઇશ્કુલ્લાહ’ કિતાબમાં સૂફીવાદનો ખજાનો પડેલો જૉવા મળે છે.

સૂફીવાદના એક સિદ્ધાંત મુજબ શિષ્ય માટે સૌથી મોટી બાબત તેના ‘પીર’, ‘ગુરુ’માં સમાઈ જવાની છે. જેને ‘ફના ફિશ્શયબ’ કહે છે. કારણ કે પીર અર્થાત્ ગુરુ ખુદ અલ્લાહની જાતમાં એકાકાર થઈ ગયા હોય છે. જેને ‘ફના ફિલ્લાહ’ કહે છે. આમ શિષ્ય સાચા અર્થમાં તો પોતાની જાતને ઓગાળી અલ્લાહમાં એકાકાર થઈ જાય છે.

અલ્લાહ સાથે આવા જ ઇશ્કનું સુંદર વર્ણન ‘ઇશ્કુલ્લાહ’ પુસ્તકમાં સબક નવમા મોહંમદશાહે કર્યું છે,

‘અલ્લાહ નામે ઝાત હય, જિસ ઝાતમાં વસફાં કમાલ, અવસાફ અયન ઝાત યા લેકિન સમજ મેં દો ખ્યાલ’

અર્થાત્ ખુદાની જાત અને કોમ એક જ છે. તેના સર્વ ગુણો સરખા છે. પણ આપણે તેને બે અલગ વિચાર ગણી, સમસ્યાઓ સર્જીએ છીએ.

‘તું ભીહય હક્ક કી આરસી, તેરે મેં હક્ક હયગા અયાં, માનન્દે ચશ્મે અકસ તું નુરે ખુદાકા તું મકાં.’

તું ખુદાની આરસી છે. તારામાં ખુદા છે. તારી આંખની પૂતળીમાં ખુદાનું પ્રતિબિંબ છે. તું જ ખુદાના નૂર(પ્રકાશ)નું સ્થાન છે.

એ જ રીતે પુસ્તકના સબક અગિયારમા તવહીદ, નફસ અને કુફ્ર અંગે મનનીય વિચારો વ્યકત થયા છે.

‘તવહીદ કી કિસ્માં હય તીન તવહીદ કે નકલી એક જાન, અકલી દુવ્વમ, કશફી સુવ્વમ દો કિસ્મ કશફી હંય, પિછાન.’

અર્થાત્ તવહીદ (એકેશ્વરવાદ) ત્રણ પ્રકારના છે. એક નકલી, બીજું એકલી (બુદ્ધીગમ્ય) અને ત્રીજું કશફી. અને કશફી પણ બે પ્રકારના છે.

સૂફીવાદમાં ‘કશફી’ એવી અવસ્થા છે જેમાં સૂફીસંત દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરે છે. એ જ્ઞાન દ્વારા તેઓ મૃત્યુ પામેલ વ્યકિત સાથે ખુદાઐ કબરમાં કરેલ વ્યવહાર જાણી શકે છે.

કુરાને શરીફમાં તવહીદ અર્થાત્ એકેશ્વરવાદનો વારંવાર ઉલ્લેખ છે, પણ તેના પ્રકારોની સમજ પીર મોહંમદશાહે ‘ઇશ્કુલ્લાહ’માં આપી છે. કશફીના બે પ્રકારોમાં પ્રથમને સ્પષ્ટ કરતાં તેઓ લખે છે,

‘તવહીદે કશફી હંયગી દો, એક હય ફના ફિલ્લાહ મેં, બે વસ્ફ ઉયાં ઝાતે હક્ક મજઝૂબ હયગા બેસુખન.’

અર્થાત્ કશફી તવહીદ બે પ્રકારની છે. એક ફના ફિલ્લાહ એટલે કે ખુદા-ઇશ્વરમાં ફના થઈ જવું. આ પ્રકારમાં અલ્લાહમાં એકાકાર થઈ જવું પડે છે. તે અલ્લાહનું વર્ણન કરી શકતો નથી. કારણ કે તે ખુદ અલ્લાહમય થઈ ગયો હોય છે.

‘તવહીદે કશફીએ દુવ્વમ કા હયગા બકા બિલ્લાહ નામ, મખલુકો ખાલિક મેં અયાં, એક જાતે હક્ક દેખે મુદામ.’

જેમાં વિશ્વનું સર્જન કરનાર અલ્લાહ અને અલ્લાહે પૈદા કરેલા ઇન્સાન વરચે કશો ભેદ રહેતો નથી. ખુદાનો બંદો ખુદાના નેક આમાલોનો સાચો પ્રતિનિધિ બની જાય છે. કુરાને શરીફના તવહીદ (એકેશ્વરવાદ)ના સિદ્ધાંતને વ્યકત કરતાં મહમ્મદશાહ (ર.ચ) લખે છે, આવી અનેક આઘ્યાત્મિક જયોત પ્રગટાવતા પીર મહોમ્મદશાહ (ર.ચ) દ્વારા લિખિત ૧૭મી સદીના પુસ્તક ‘ઇશ્કુલ્લાહ’નું તરજુમા સાથે પુન: પ્રકાશન કરી, આઘ્યાત્મિક વિચારોને જાણવા ઇરછતા સૌ માટે સેવાનું કાર્ય કરનાર પીર મોહંમદશાહ લાઈબ્રેરી અને રિસર્ચ સેન્ટરને અભિનંદન.No comments:

Post a Comment