Saturday, June 13, 2009

Ishak-E-Elahi ni Khushbu by Prof. Mehboob Desai

ઇશ્કે ઇલાહીની ખુશબૂ
Dr. Mehboob Desai

શાયરીના બે પ્રકારો છે. આરંભના દૌરમાં શાયરી પ્રેમ- પ્રેમિકા, ચાંદ- ચકોરીને કેન્દ્રમાં રાખી રચાઇ. પછી શાયરીનું સ્વરૂપ બદલાયું. જીવનની સરચાઇ, ખુદાપરસ્તી શાયરીના કેન્દ્રમાં રહેવા લાગ્યા.
પ્રથમ તબક્કાની શાયરીને ‘ઈશ્કે મિજાજી’ કહે છે, જયારે ખુદાપરસ્ત શાયરીને ‘ઈશ્કે ઇલાહી’ કહે છે. સૂફીસંતો અને જીવનની સરચાઇ સાથે જીવતા શાયરોએ ખુદાના પ્રેમને કેન્દ્રમાં રાખી સુંદર રચનાઓ કરી છે. એવી થોડી શાયરીઓની સુગંધ આજે માણીએ.
ખુદાના અસ્તિત્વને દ્રઢપણે માનતા શાયર લખે છે,

અચ્છા યકીં નહીં હૈ તો કસ્તી ડૂબો કે દેખ,
એક તૂહી નાખુદા નહીં હૈ જાલીમ, ખુદા ભી હૈ.’

જિંદગીની નૈયાને ડુબાડનાર કરતાં તારનાર ખુદા છે. ખુદામાં વિશ્વાસ -ઇમાન રાખનાર ગમે તે સંજોગોમાં ખુદાને યાદ રાખે છે. શાયર કહે છે.

‘સબકો હમ ભૂલ ગયે જોશો-જુનૂન મેં લેકીન,
ઇક તેરી યાદ થી એસી જો ભૂલાઇ ન ગઇ.’

ભગવાન ઇશ્વર-ખુદા-અલ્લાહ કયાં છે, ખુદાના સાચા બંદાઓ માટે તો દરેક જગ્યાએ છે. માત્ર મંદિર કે મસ્જિદમાં તેને શોધવા જરૂરી નથી. એક શાયરે કહ્યું છે,

‘વો મંદિર-મસ્જિદ ગુરુદ્વારે મેં નહીં રહતા
વો અંધો કી લાઠી મેં આવાઝ બન કે રહેતા.’

અને એટલે જ એક શાયર તો ત્યાં સુધી લખે છે,

‘તેરે કુચે મેં રહ કર મુઝે મર મિટના ગવારા હૈ
મગર દેરોં-હરમકી ખાક અબ છાની નહીં જાતી.’

ખુદા-ઈશ્વરના સ્થાન માટે જેમ શાયરો બેબાક બની લખે છે, તેમ ખુદાની દેન માટે પણ બિંદાસ બની લખે છે. રાહત ઇન્દોરી નામના શાયર ખુદાના બંદાઓની એ ખુદ્દારીને વાચા આપતા લખે છે,

‘જા કર કહ દો શોલોં સે ચિનગારી સે,
ફૂલ ઇસ બાર ખીલે હેં, બડી તૈયારી સે,
બાદશાહો કે ફેંકે હુએ સિક્કે ભી ન લીયે,
હમને ખૈરાત ભી માગી હૈ, બડી ખુદ્દારી સે.’

ખુદાના બંદાઓ ખૈરાત એટલે કે દાન પણ ખુદ્દારીથી લે છે, કારણ કે દાનની પ્રક્રિયામાં લેનાર કરતાં દેનારનો સ્વાર્થ વિશેષ છે. પોતાનાં પાપોને ધોવા માટે દાન આપવામાં આવે છે. જયારે લેનાર તો મસ્ત છે. તેને તમે આપશો તો પણ ઠીક છે અને નહીં આપો તો પણ ઠીક છે. તેને તેના ખુદામાં વિશ્વાસ છે. આવી જ મસ્તીને વ્યકત કરતા શાયર બશીર બટ્ર લખે છે,

‘ઉજાલે અપની યાદો કે હમારે સાથ રહેને દો,
ન જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હોય જાયે.’

ખુદા-ઈશ્વર સાથેની પ્રકાશમય પળોને વાગોળવા માટે કોઇ ખાસ સ્થાન જરૂરી નથી. ખુદાની યાદમાં હોશોહવાસ ખોઇ બેસનાર માટે તો મંદિર-મસ્જિદ કે મૈખાના (શરાબખાના)માં કોઇ જ ભેદ નથી. તેને તો દરેક સ્થાન પર ખુદા જ દેખાય છે.
અને છેલ્લે, જિંદગીને બોજ સમજીને અંત આણનાર માનવીઓના સમાચારો હમણાં હમણાં ઘણા વાંચવા મળે છે. ખુદા-ઈશ્વર તેના બંદાઓ-ભકતોની શ્રદ્ધા-ઇમાનને વધુ મજબૂત કરવા તેની વારંવાર કસોટી કરે છે. આગમાં તપીને જ સોનું શુદ્ધ થાય છે. એટલે જિંદગીની જવાબદારીઓથી ભાગવાની જરૂર નથી. સમસ્યોઓ કયાં નથી, કોને નથી? શાયર દાગ દહેલવી લખે છે,

દુનિયા મેં આદમી કો મુસીબત કહાં નહીં?
વો કોનસી જમી હૈ જહાં આસમાં નહીં?’

No comments:

Post a Comment