Monday, June 22, 2009

કેપ્ટન મહંમદ હુસેન ગોલંદાજ Dr. Mehboob Desai

કેપ્ટન મહંમદ હુસેન ગોલંદાજ
Dr. Mehboob Desai


અનેક દેશોના સરકારી પ્રતિનિધિ તરીકે રહેલાં અને હજ કમિટીના ચેરમેન તરીકે ૧૪ વખત હજ અદા કરનાર કેપ્ટન ગોલંદાજ આજે ૯૬ વર્ષે પણ આદર્શ મુસ્લિમને છાજે તેવું જીવન જીવી રહ્યા છે

કેપ્ટન મહંમદ હુસેન ગોલંદાજનું નામ આજની પેઢી માટે અજાણ્યું છે. ભારતીય હજ કમિટીના ચેરમેન તરીકે ૧૪ વાર હજ અદા કરનાર, ઇરાક, ઇરાન, ઇજિપ્ત, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર, બર્મા, જાપાન, સાઉદી અરેબિયા, લેબેનોન, જોર્ડન અને સિરિયામાં સરકારના પ્રતિનિધિ તરીકે અનેક કાર્યો પાર પાડનાર, ૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨માં સંસદ સભ્ય તરીકે સુરતનું પ્રતિનિધિત્વ કરનાર ૯૬ વર્ષના (જન્મ ૨૩ સપ્ટેમ્બર ૧૯૧૩) કેપ્ટન મહંમદ હુસેન ગોલંદાજ સેલવાસના તેમના નિવાસસ્થાને સાદગી અને મૂલ્યોની મિસાલ સમા આજે પણ સ્વસ્થ ચિત્તે ખુદાની બંદગી કરે છે.

અત્યંત સક્રિય સામાજિક અને રાજકીય જીવન પછી આજે સંપૂર્ણ નિવૃત્ત જીવન જીવતા કેપ્ટન મહંમદ હુસેન ગોલંદાજ એક આદર્શ મુસ્લિમને છાજે તેવું પાક જીવન જીવ્યા છે. તેની સાક્ષી પૂરતા તેમનાં પત્ની હાજિયાણા શકીનાબહેન કહે છે, ‘દેશ-વિદેશમાં ફરવા છતાં મારા પતિ (ખાવિંદ) હરામની ચીજેથી હંમેશાં દૂર રહ્યા છે.’

સુરતના મેયર તરીકે એક આમ ઇન્સાન જેવું જ જીવન જીવનાર કેપ્ટન ગોલંદાજની કાર સામે ભટકાઇ જનાર એક કામદારને ગાડીમાંથી બહાર આવી ઊભો કરી, તેની સાઇકલનું જાતે જ રિપેરિંગ કરાવી આપનાર કેપ્ટન ગોલંદાજને સુરતની પ્રજા હજુ ભૂલી નથી.

જવાહરલાલ નહેરુ, મોરારજીભાઇ દેસાઇ, ડો.જીવરાજ મહેતા અને બાબુભાઇ જશભાઇ પટેલ જેવા દિગ્ગજો સાથે રાજકારણમાં રહેવા છતાં તેમના આચાર-વિચારમાં ઇસ્લામ કેન્દ્ર સ્થાને હતો અને છે. ચહેરા પર સફેદ નૂરાની દાઢી રાખતા કેપ્ટન ગોલંદાજ કહે છે, ‘અલ્લાહના રસૂલ મુહમ્મદં (સ.અ.વ)ને અલ્લાહ પાકે સમગ્ર માનવજાત પ્રત્યે સહાનુભૂતિ અને અમાપ સત્તા આપી હતી. છતાં આપે અત્યંત સાદગીભર્યું જીવન પસંદ કર્યું હતું. તેમના અનુયાયી તરીકે આપણે પણ તેવું જ જીવન જીવવું જોઇએ.’

અનેક ઊચા હોદ્દાઓ પર રહ્યા છતાં કેપ્ટન ગોલંદાજ ઇસ્લામની નમ્રતાને ભૂલ્યા ન હતા, તેઓ કહે છે, ‘નદીમાંથી પાણી ભરવું હોય તો અચૂક નમવું પડે. તે જ રીતે જીવનમાંથી કંઇક મેળવવું હોય તો અચૂક નમ્ર થવું પડે. આપણે સુગંધી ફૂલ ન બની શકીએ તો કંઇ નહીં, પણ કાંટા તો ન જ બનીએ.’

તેમના જીવનનો અદ્ભુત કિસ્સો આલેખતા તેઓ કહે છે, ‘દર વર્ષે કાબા શરીફનો ગિલાફ (કિશ્વાહ) ઇજિપ્તથી બનીને આવતો હતો. એ વર્ષે ઇજિપ્તના પ્રેસિડેન્ટ નાસીર જમાલને સાઉદી અરેબિયાની સરકાર સાથે કંઇક વાંધો પડયો. તેથી તેમને કિશ્વાહ મોકલવાની ના પાડી. તેની જાણ મને થઇ, મેં ભારતીય હજ કમિટીના ચેરમેન તરીકે ભારત સરકાર તરફથી કાબા શરીફનો કિશ્વાહ તૈયાર કરાવ્યો અને સાઉદી અરેબિયા મોકલ્યો. એ વર્ષે ભારતના કારીગરોએ તૈયાર કરેલો કિશ્વાહ કાબા શરીફ પર ચડયો હતો.’

જીવનભર સેવાના રાજકારણને વરેલા અને ધનદોલતથી હંમેશ કોશો દૂર રહેલા કેપ્ટન ગોલંદાજ કહે છે, ‘જેમ વૃક્ષ પર ફળો લાગે છે અને વૃક્ષ નીચે નમતું જાય છે તેમ જ ધનનાં ફળો લાગે ત્યારે ધનવાનોએ પણ નમ્ર થવું જોઇએ અને ગરીબોનાં દુ:ખદર્દોને દૂર કરવા સક્રિય જ થવું જોઇએ.’

બગદાદમાં હજરત અલી (રદિ.)ની દરગાહની બે વાર જિયારત (યાત્રા) કરનાર કેપ્ટન સાહેબ વૃદ્ધ આંખોને ઝીણી કરતાં કહે છે, ‘હજરત અલી શૌર્ય અને ઇલ્મ (જ્ઞાન)ના કેન્દ્ર છે. હજરત અલી હંમેશાં ફરમાવતા, ‘જે ઇન્સાન ઇલ્મની શોધમાં રહે છે તે વ્યકિત જન્નતની શોધમાં રહે છે, કારણ કે ઇલ્મ સદ્વર્તન અર્પે છે. સદ્વર્તન સંતોષ આપે છે અને સંતોષ ઇબાદતની પૂંજી છે.’

૯૬ વર્ષે પણ તંદુરસ્ત અને સંતોષી જીવન ગુજારતા કેપ્ટન મહંમદ હુસેન ગોલંદાજનું જીવન દરેક માટે પ્રેરણાદીપક સમાન છે. તેમની એક અંતિમ હિદાયત સાથે તેમની વાત પૂર્ણ કરીશ. ‘કમ ખાઓ, કમ હસો, બીજાના દોષો જોવાનું બંધ કરો. દુનિયાની માયામાંથી દૂર રહી અલ્લાહની ઇબાદતમાં મશગૂલ રહો.’

No comments:

Post a Comment