Monday, June 15, 2009

Communal Harmony by Prof. Mehboob Desai

‘મજહબ સિખાતા હૈં આપસ મેં પ્રેમ કરના’

Dr. Mehboob Desai



હિન્દુ અને ઇસ્લામ ધર્મની તસવીરોનું એક હિન્દુ કુટુંબના ઘરમાં સમન્વય હોય, અને બંને પ્રત્યેની શ્રદ્ધા સમગ્ર કુટુંબમાં વ્યાપેલી હોય તે ઘટના આજના સંદર્ભમાં અવશ્ય નવાઇ પમાડે તેવી છે, પણ એ સત્યને જાતે નિહાળવાની, માણવાની તક અમદાવાદના નિવાસી જિગ્નેશભાઇ મોદીના ઘરમાં સાંપડી.

આમ તો ઘણા વખતથી હું જિગ્નેશભાઇના પરિચયમાં છું. તેઓ અને તેમનું સમગ્ર કુટુંબ સૌરાષ્ટ્રના મોરબી નજીક આમરણ ગામમાં આવેલ હજરત દાવલશાહ પીરના પરમ ભકત છે. આ દરગાહનો સમગ્ર ખર્ચ એકલાપંડે તેઓ જ ભોગવે છે અને ત્યાં ભવ્ય દરગાહનું સર્જન કરવાની તેમની ખ્વાહિશ છે, પણ દરગાહનું જતન કરવું અને પોતાના ઘરમાં ઇસ્લામ ધર્મને શ્રદ્ધાપૂર્વક સ્થાન આપવું, આ બંને બાબતો ભિન્ન છે.

અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલ તેમની સોસાયટીમાં હું પ્રવેશ્યો ત્યારે મને બિલકુલ અહેસાસ ન હતો કે એક હિન્દુ કુટુંબના ડ્રોઇંગરૂમમાં કાબા શરીફનું ૫*૪નું ભવ્ય ચિત્ર કલાત્મક ફ્રેમમાં મઢેલું દીવાલ પર જોવા મળશે. સમગ્ર બેઠકખંડના કેન્દ્રમાં શોભતું કાબા શરીફનું એ ચિત્ર જોઇ મને આનંદ સાથે થોડી નવાઇ લાગી. દીવાનખંડની બેઠકોની જમણી બાજુ મહાભારતનું યાદગાર દ્રશ્ય, જેમાં મહાભારતનો જાણીતો શ્લોક ‘યદા યદા હી ધર્મસ્ય...’ લખ્યો હતો.

એક બાજુ ઇસ્લામના પવિત્ર સ્થાન કાબા શરીફ અને બીજી બાજુ મહાભારતનું અદભૂત દ્રશ્ય જોઇ મારો સ્વર સહેજ ભીનો થઇ ગયો. જિગ્નેશભાઇનાં બંને બાળકો, તેમનાં પત્ની, તેમના મોટા ભાઇ બધાં સાથે હું તેમના બેઠકખંડમાં બેઠો ત્યારે મેં તેમને પૂછ્યું,‘કાબા શરીફનું આટલું વિશાળ ચિત્ર બેઠકખંડમાં આપે મૂકયું છે, તેથી આપના કુટુંબના સભ્યો થોડા નારાજ તો થયા હશે?’

‘ના, ના સાહેબ, અમારા કુટુંબના દરેક સભ્ય હિન્દુ-મુસ્લિમ બંને ધર્મે રંગાયેલા છે.’ આટલી વાત પછી તેમના નિવાસના ઉપરના માળે અમે ગયાં. ત્યારે તો મારી આંખો વધુ પહોળી થઇ ગઇ. ઉપરના માળે બે પૂજારૂમો હતા. એક પૂજારૂમમાં હજરત દાવલશાહ પીરની ગાદી રાખવામાં આવી હતી.

પૂજારૂમના દરવાજા પાસેની દીવાલ પર મસ્જિદ-એ-નબવીની ૨*૧ની મોટી તસવીર હતી. જયારે બીજા રૂમમાં, તેમના કુળદેવી બહુચર માની તસવીર સાથે શંકર-પાર્વતી, રાધા-કૃષ્ણ અને ગણેશની તસવીરો હતી. આ જોઇ મેં સહેતુક પૂછ્યું,

‘રોજ સવારે આ બંને પ્રાર્થનગહમાં તમે પ્રાર્થના કરો છો?’

‘મારાં પત્ની બંને પૂજારૂમો સ્વરછ રાખે છે. રોજ બંનેમાં દીવો કરે છે, પછી હજરત દાવલશાહ પીરના રૂમમાં હું પ્રાર્થના કરું છું. મારાં પત્ની અમારાં માતાજી અને અન્ય દેવોની પૂજા કરે છે.’

લગભગ એકાદ કલાક પછી હિન્દુ-મુસ્લિમ ધર્મના સમન્વય સમા જિગ્નેશભાઇના ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે મારા મનમાં ડો. ઇકબાલની કવિતા, ‘મજહબ નહીં સિખાતા આપસ મેં બેર કરના’ની નાવીન્યકરણ પામેલ પંકિત રચતી હતી,
‘મજહબ સિખાતા હૈં આપસ મેં પ્રેમ કરના
હિન્દી હૈ હમ વતન હૈ હિન્દોસ્તાં હમારા.’

1 comment:

  1. આપના નો બ્લોગ એડ્રેસ મને દિવ્યભાસ્કર ની પુર્તિ થી મળ્યો. વતન ની અને સર્વધર્મ સમભાવ ની આપની રચનાઓ ને સલામ.
    મને આપ ઓળ્ખી ગયા હશો હવે કારણ કે મારા પુસ્તક "ક્ષિતિજ' માટે નો આપનો પ્રતિભાવ મેં ખુબજ સાચવી ને રાખ્યો છે.આભાર
    મારો ગુજરાતી બ્લોગ પણ છે
    આપના અભિપ્રાય ની રાહ જોઇ રહી છું.

    http://shvas.wordpress.com

    ReplyDelete