Tuesday, June 16, 2009

ખુદાથી ગાફિલ ન થઇશ હજરત અશરફ ખાન by Dr. Mehboob Desai

અશરફ ખાનની ઇબાદતથી ધીમે ધીમે લોકો પ્રભાવિત થવા લાગ્યા. તેમની દુવાઓની અસરથી તેમના મુરીદો (શિષ્યો)ની સંખ્યા વધવા લાગી

કાદવમાં કમળનું સર્જન અશરફ ખાનના જીવનનું સત્ય છે. ફિલ્મ અને નાટકની દુનિયાના લપસણા માર્ગ પર પણ ઓલિયા બની ખુદાની ઇબાદતમાં ચોવીસે કલાક લીન રહેનાર અશરફ ખાન કહેતા,

‘આંખ, કાન, મુંહ બંદ કર, નામ ખુદા કા લે,
અંદર કે પટ જબ ખૂલે, બહાર કે પટ ખોલ દે,
કલ્મેશરીફ કા ઇતના ઝિક્ર કર, કે
તેરે દિલ સે કલ્મે પાક કી આવાઝ નિકલે,
ઔર તેરા દિલ ખુદા કે નૂરસે તરબતર હો જાયે.’


ઇ.સ. ૧૮૮૦માં ઇન્દોરમાં જન્મેલ અશરફ ખાન ઝાઝું ભણ્યા ન હતા, પણ ઇસ્લામનું જ્ઞાન તેમને વારસામાં મળ્યું હતું. સમજણા થયા ત્યારથી પાંચ વકતની નમાજ નિયમિત પઢતા. આજીવિકા માટે તેમણે નાટક અને ફિલ્મની દુનિયાને અપનાવી હતી.

૧૯૨૪માં ‘માલવપતિ મુંજ’ નાટકમાં મુંજની ભૂમિકા ૨૭૦૦ વાર ભજવીને નાટકની દુનિયાના બેતાજ બાદશાહ બની ગયા હતા. ૧૯૨૬માં ‘સિરાજુદ્દોલા’ નાટકમાં દારૂડિયા સિરાજનું પાત્ર દારૂની ગંધ પણ લીધા વગર તેમણે આબેહૂબ ભજવ્યું હતું. એ નાટકમાં આવતું ગીત ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે’ અનેક વાર વન્સમોર થયું હતું.

એમ કહેવાય છે કે દારૂડિયાનું પાત્ર ભજવતા પૂર્વે અને પછી બેકસ્ટેજમાં અશરફ ખાન કુરાને શરીફ અને નમાજ પઢતા રહેતા. આ અંગે એક વાર એક કલાકારે આપને પૂછ્યું, ‘સ્ટેજ પાછળ પણ આપ ખુદાની ઇબાદત કર્યા કરો છે. તેનું રહસ્ય શું છે?’

આપે ફરમાવ્યું, ‘હું ખુદાથી ગાફિલ રહીશ, તો ખુદા મારાથી ગાફિલ થઇ જશે.’

રમજાન માસ અર્થાત્ ઉપવાસના માસમાં આપ માત્ર સહેરી સમયે જ થોડું જમતા. રોજો છોડયા પછી આપ જમતા નહીં. હંમેશાં ભોજન લેતાં પહેલાં આપ પાંચ વાર ‘કુલ્હોવલ્લાહ’ની સૂરત (શ્લોક) અવશ્ય પઢતા અને પછી જ ભોજન લેતા. અશરફ ખાનની ઇબાદતથી ધીમે ધીમે લોકો પ્રભાવિત થવા લાગ્યા. અલ્લાહ સાથેનો તેમનો લગાવ અને તેમની દુવાઓની અસર લોકો મહેસૂસ કરવા લાગ્યા. તેમના મુરીદો (શિષ્યો)ની સંખ્યા વધવા લાગી.

ઇ.સ. ૧૯૪૦માં મહેબૂબ ખાને તેમને ‘રોટી’ ફિલ્મમાં ફકિરનું પાત્ર આપ્યું. ૧૯૪૨માં રજૂ થયેલી એ ફિલ્મમાં ચંદ્રમોહન, સિતારાદેવી, શેખ મુખ્ત્યાર જેવા નામી કલાકારો હતા. છતાં સેટ પર અશરફ ખાન સૌથી નોખા તરી આવતા હતા.

સેટ પર શૂટિંગ રોકાય ત્યારે સેટના એક ખૂણામાં નમાજ અને કુરાને શરીફ પઢવામાં લીન થઇ જતા. મહેબૂબ ખાન તેમની ઇબાદતથી એટલા પ્રભાવિત થયા કે સેટ પર કોઇ તેમને ઇબાદતમાં ખલેલ ન પહોંચાડે તેની ખાસ તકેદારી રાખતા.

અશરફ ખાન અનેક ડૂબતી નાટક કંપનીઓના તારણહાર બન્યા હતા. નાનામાં નાના માણસની તકલીફને દૂર કરવા તેઓ તત્પર રહેતા. તેમના નામ માત્રથી નાટકની ટિકિટો વેચાઇ જતી. તેમના સંવાદો સાંભળી લોકો આફરીન પોકારી ઊઠતા. છતાં અભિમાનનો છાંટો તેમના વ્યવહાર વર્તનમાં ન હતો.

જિંદગીભર તેમણે ન તો દોલતથી મહોબ્બત કરી, ન શોહરતથી. માત્ર ને માત્ર જિંદગીભર સર ઝુકાવીને ખુદાની ઇબાદત કરતા રહ્યા. ૧૧-૯-૧૯૬૨ના રોજ રાજકોટની હોસ્પિટલમાં ૧૧ કલાકે સવારે તેમની વફાત થઇ.

તેમના અનુયાયીઓ તેમના જિસ્મને અમદાવાદ લઇ આવ્યા. જમાલપુર દરવાજા બહાર દાણીલીમડામાં આવેલ ગંજશહિદા કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા.

આજે પણ તેમની દરગાહ પર તેમના મુરીદોની ભીડ જામ છે. તેમનો ઉર્સ દર વર્ષે મળે છે અને અનેક લોકો પોતાની શ્રદ્ધાને તેમાં વહેવડાવે છે.

No comments:

Post a Comment