Tuesday, June 23, 2009

ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી સંચાલિત મસ્જિદો ડો. મહેબૂબ દેસાઈ

ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી સંચાલિત મસ્જિદો

ડો. મહેબૂબ દેસાઈ



વીસ-બાવીસ દિવસના મારા ઓસ્ટ્રેલિયામાં રોકાણ દરમિયાન ત્યાંના મુસ્લિમ સમાજ અને ઇસ્લામ પ્રત્યેના એ દેશના અભિગમ અંગે કેટલીક નોંધનીય બાબતો જાણવા-માણવા મળી.

ઓસ્ટ્રેલિયા વિકસી રહેલ રાષ્ટ્ર છે. ત્યાં વસ્તી ઓછી અને ભૂમિ વિશાળ છે. વિશ્વની દરેક પ્રજા અહીંયા જોવા મળે છે. દરેક ધર્મ અને દરેક રાષ્ટ્રના લોકોનો અહીંયા સુભગ સમન્વય છે. આમ છતાં અહીંયા ધર્મના નામે કોઈ જ વિવાદ, કલહ કે અશાંતિ નથી કારણ કે કોઈ પણ ધર્મ કે મજહબના લોકો અહીંયા જાહેરમાં પોતાની ધાર્મિક લાગણીઓ વ્યકત કરતા નથી. અહીંયા મસ્જિદો છે, મંદિરો છે, ચર્ચોછે, પણ કોઈના મથાળે માઈકનાં ભૂંગળાં નથી.

અહીંયા મસ્જિદોમાં અજાન માઈક પર થતી નથી. ઓસ્ટ્રેલિયાનાં મુસ્લિમો અજાનનો કે નમાજનો સમય જાણવા અજાન માટેની ખાસ આલાર્મ કલોક રાખે છે. અજાનનો સમય થાય ત્યારે એ ઘડિયાળમાંથી જ અજાન સંભળાય છે અને એ મુજબ મસ્જિદમાં કે ઘરમાં નમાજ અદા કરી લે છે. ઇસ્કોન સંચાલિત કૃષ્ણ ભગવાનનું સુંદર મંદિર મેલબોર્નના સેન્ટ કિલડા સ્ટ્રીટ પર આવેલું છે. અહીંયા વીકએન્ડમાં ભારતીયોનો મેળો જામે છે. અહીં વિના મૂલ્યે ભોજન આપવામાં આવે છે. મંદિરમાં પૂજા, આરતી થાય છે પણ તેનો કોઈ જ અવાજ થતો નથી. એ જ રીતે ખિ્રસ્તી ધર્મના ચર્ચોમાં ઘંટનાદ થતા નથી. ટૂંકમાં ઓસ્ટ્રેલિયામાં ધર્મ એ વ્યકિતની અંગત બાબત છે. તેને જાહેરમાં અભિવ્યકત કરવામાં નથી આવતી. તેના કારણે કોઈ પ્રદૂષણ પ્રસરાવવામાં નથી આવતું.

મેં જુમ્મા (શુક્રવાર)ની પ્રથમ નમાજ જે મસ્જિદમાં પડી તે ઘણી સુંદર અને વિશાળ મસ્જિદ હતી. મેલબોર્નથી થોડે દૂર આવેલ એ મસ્જિદમાં પણ માઈકમાં અજાન ન થઈ. એટલે અલાર્મ કલોકની અજાન મુજબ અમે ત્યાં પહોંચી ગયા હતા. બોસ્મિયા ઇસ્લામિક સેન્ટર દ્વારા આ મસ્જિદનું સર્જન થયું હતું. નમાજમાં અહીંયા ટોપી પહેરવાનો રિવાજ નથી. જુમ્માની બીજી નમાજ સમયે હું મેલબોર્નમાં હતો. હોથમ સ્ટ્રીટ પર આવેલા મારા પુત્ર ઝાહિદના મકાનની આસપાસ મને કોઈ મસ્જિદ જૉવા ન મળી એટલે મેં તેને પૂછ્યું, ‘મેલબોર્નમાં કોઈ મસ્જિદ છે, જયાં જુમ્મ્ાાની નમાજ અદા થાય?’

‘ડેડી, મસ્જિદો તો છે. પણ તમને સ્વોન્સ્ટન સ્ટ્રીટ પર આવેલી આર.એમ.આઈ.ટી યુનિવર્સિટીની મસ્જિદ નજીક પડશે.’તેની વાત સાંભળી મને થોડી નવાઈ લાગી. યુનિવર્સિટીની મસ્જિદ કેવી રીતે હોઈ શકે? એટલે મેં સ્પષ્ટતા કરતા કહ્યું,‘આર. એમ. આઈ. ટી. યુનિવર્સિટીની બાજુમાં મસ્જિદ છે?’

‘ના, ના ડેડી, આર. એમ. આઈ. ટી. મેલબોર્નની જાણીતી યુનિવર્સિટી છે. તેની જ બિિંલ્ડગમાં મસ્જિદ છે. યુનિવર્સિટી જ તેનું સંચાલન કરે છે.’તેની વાત સાંભળી મારી જિજ્ઞાસા વિસ્તરી. એક યુનિવર્સિટી પોતાની મુખ્ય બિિંલ્ડગમાં મસ્જિદ રાખે અને તેનું સંચાલન પણ કરે તે સાચેજ તપાસ માગી લે તેવી બાબત છે. એટલે મેં તે અંગે તપાસ કરી. તેનાં બે-ત્રણ કારણો જાણવા મળ્યાં પ્રથમ ઓસ્ટ્રેલિયાની દરેક યુનિવર્સિટીમાં ‘મુસ્લિમ પ્રે હોલ’ની સગવડ છે. કારણ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મુસ્લિમ વિધાર્થીઓ પાંચ સમયની નમાજ આસાનીથી યુનિવર્સિટીમાં જ અદા કરી શકે એ માટે દરેક યુનિવર્સિટીમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર, ભારત, પાકિસ્તાન અને જાપાનના મુસ્લિમ વિધાર્થીઓની સંખ્યા નોંધપાત્ર છે. એ વિધાર્થીઓની સગવડતા માટે ઓસ્ટ્રેલિયાની દરેક યુનિવર્સિટીના કેમ્પસમાં જ ‘મુસ્લિમ પ્રે હોલ’ અનિવાર્ય પણે રાખવામાં આવેલ છે.

ઇસ્લામ જ એવો મજહબ છે જેમાં ફરજિયાત પાંચ વકતની નમાજ અદા કરવાની હોય છે. અને એટલે પણ મુસ્લિમ પ્રે હોલ દરેક યુનિવર્સિટીમાં જૉવા મળે છે. જુમ્માની નમાજ અર્થે આર.એમ.આઈ.ટી. યુનિવર્સિટીમાં હું પ્રવેશ્યો ત્યારે મુસ્લિમ પ્રે હોલ સુધી જવાનો માર્ગ ચીંધતા નાનકડા બોર્ડ ઠેર ઠેર જૉયાં. એ બોર્ડની સૂચના મુજબ હું પ્રે હોલ સુધી પહોંચી ગયો. દેશ-વિદેશના મુસ્લિમોનો અહીંયા મેળો હતો. વજુ અને ગુસલખાનાની ઇસ્લામિક પદ્ધતિ મુજબ વ્યવસ્થા હતી. મસ્જિદના પ્રવેશ દ્વારા પર મૂકેલા સ્ટેન્ડ પર ‘મહંમદ (સ.અ.વ.)ને ઓળખો’ ‘ઇસ્લામને સમજૉ’,‘જકાત એટલે શું?’, ‘હિજાબ એટલે શું?’, વગેરે વિષયક અંગ્રેજી ફોલ્ડરો સૌ માટે સુલભ હતાં. મસ્જિદમાં પ્રવેશ્યો ત્યારે અંદરનું વાતાવરણ શાંત અને પવિત્ર લાગ્યું. મેં મસ્જિદના એક ખૂણામાં સ્થાન લીધું.

થોડી વારે એક યુવાન આવ્યો. તેણે ટીશર્ટ અને બર મૂડો અર્થાત્ ઘૂંટણ સુધીનું પેન્ટ પહેર્યાં હતાં. માથે ટોપી ન હતી. અને તેણે અંગ્રેજીમાં તકરીર(વ્યાખ્યાન) શરૂ કર્યું. તેના વ્યાખ્યાનનો વિષય એખલાસ હતો. ઇસ્લામમાં એખલાસનું સ્થાન તેણે સમજાવ્યું. એ પૂર્ણ થયા પછી તેણે ખુત્બો શરૂ કર્યો. ખુત્બો એટલે ધાર્મિક પ્રવચન. તેના હાથમાં કાગળો હતા. કુરાને શરીફની આયાતો તેમાંથી વાંચી તેનું અંગ્રેજીમાં અર્થઘટન તેણે કર્યું.

ઇસ્લામને વરેલા આ યુવાનમાં ઇસ્લામ પ્રત્યેની મહોબ્બત વર્તાતી હતી. ઇસ્લામ એટલે પોશાક કે દાઢી માત્ર નહીં. પણ આમાલ એટલે કે સદ્કાર્યો. એ તેના વર્તનમાંથી નીતરતો બોધ હતો. બાદ હું કેટલાક મુસ્લિમોને મળ્યો. પેન્ટ શર્ટ, કોટ પેન્ટ, જીન્સ શર્ટ, શોર્ટ્સ અને ટીશર્ટધારી મોટા ભાગના યુવાનો મસ્જિદમાં હતા. હું એકમાત્ર કફની લેંઘામાં હતો. આમ છતાં સૌની ઇસ્લામ પ્રત્યેની નિષ્ઠા અને ઇમાન મજબૂત હતાં.

ઓસ્ટ્રેલિયામાં અંગત લાગણીઓને સંતોષવા ઉરચ શિક્ષણ સંસ્થા ઉમદા માઘ્યમ બને ત્યારે ઓસ્ટ્રેલિયાની તંદુરસ્ત સદ્ભાવના તેના વિકાસમાં શા માટે સહભાગી ન બને

No comments:

Post a Comment