Tuesday, June 30, 2009

આબે ઝમઝમ: આસ્થા અને સ્વાસ્થ્યનો સંગમ : ડો. મહેબૂબ દેસાઈ

આબે ઝમઝમ: આસ્થા અને સ્વાસ્થ્યનો સંગમ

ડો. મહેબૂબ દેસાઈ

હિંદુ ધર્મમાં જે સ્થાન ગંગાજળનું છે તે સ્થાન ઇસ્લામમાં ‘આબે ઝમઝમ’નું છે. ‘આબે ઝમઝમ’ની ઉત્પત્તિનો નાનકડો ઇતિહાસ જાણવા જેવો છે. હજરત ઇબ્રાહીમ (અ.સ.) ખુદાના આદેશ મુજબ પોતાની પત્ની હજરત હાજરા અને પુત્ર હજરત ઇસ્માઇલ (અ.સ.)ને ઉજજડ વેરાન રણપ્રદેશ ‘તિહામહ’માં મૂકી, મન મક્કમ કરી ચાલ્યા જાય છે. એ ઉજજડ વેરાન રણપ્રદેશમાં પોતાના પુત્ર અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા હજરત હાજરા સફા અને મરવહ નામની ટેકરીઓ પર સાત ચક્કર મારે છે. પણ ઉજજડ પ્રદેશમાં દૂર દૂર સુધી માનવજાત કે પાણીનો એક છાંટો પણ જૉવા મળતો નથી.

અંતે થાકીને હજરત હાજરા સાતમા ચક્કર પછી મરવહ પહાડી પર ભા રહે છે ત્યારે એકાએક તેમને કંઇ અવાજ સંભળાય છે. એ અવાજની શોધમાં તેઓ આસપાસ દૂર સુધી નજર ફેરવે છે અને પોતાના નવજાત પુત્ર હજરત ઇસ્માઇલ પાસે એક માનવી ભેલો તેમને દેખાય છે. દોડતા હજરત હાજરા પોતાના પુત્ર પાસે આવે છે. બાળક પાસે ખુદાના ફરિશ્તા જિબ્રાઇલને જૉઇને તેઓ શાંતિ અનુભવે છે.

હજરત જિબ્રાઇલે ઉજજડ રણપ્રદેશમાં અન્ન અને જળ શોધવામાં બેબાકળા બનેલા હજરત હાજરા સામે એક નજર કરી છે. પછી ચહેરા પર સ્મિત પ્રસરાવી, પોતાના પગની એડી જમીન પર મારી છે અને ત્યાંથી એક ઝરણું ફૂટી નીકળ્યું છે. આ એ જ ઝરણું જેને આપણે ‘આબે ઝમઝમ’ કહીએ છીએ.

આ ઘટનાની સ્મૃતિ રૂપે જ હજયાત્રાએ જનાર હાજીઓને ફરજિયાત સફા અને મરવહ ટેકરીઓ વરચે સાત ચક્કર મારવા પડે છે. હજની ક્રિયાનો તે અહેમ ભાગ છે. જૉકે આજે તો સફા અને મરવહ વરચેનું અંતર આધુનિક સાધનોથી સજજ રાખવામાં આવ્યું છે. પણ હજરત હાજરાના પુત્ર ઇસ્માઇલને જાળવવાની વ્યથા સફા અને મરવહ વરચેના સાત ચક્કર દરમિયાન હાજીસાહેબો મહેસૂસ કરે છે. આજે તો ‘આબે ઝમઝમ’ને કારણે ‘તિહમહ’ જેવો ઉજજડ-વેરાન પ્રદેશ સુંદર મક્કા શહેર બન્યો છે. હજરત મહંમદ પયગંબર (સ.અ.વ) એ આબે ઝમઝમ અંગે ફરમાવ્યું છે.

‘ઝમઝમનું પાણી જે ઇરછાથી પીશો તે ઇરછા પૂર્ણ થશે. તરસ છિપાવવા પીશો તો પ્યાસ બૂઝશે. ભૂખ મિટાવવા પીશો તો પેટ ભરાઇ જશે અને બીમારી દૂર કરવા પીશો તો બીમારી અવશ્ય દૂર થશે.’

હજયાત્રાએ જતા હાજીઓ મક્કાની સરજમી પરથી બીજું કંઇ લાવે કે ન લાવે, પણ ઝમઝમનું પાણી તો અવશ્ય લાવે છે. અને ન્યાઝ તરીકે સૌને વહેંચે છે કારણ કે ઝમઝમના પાણીનું આઘ્યાત્મિક જેટલું મહત્ત્વ છે તેટલું જ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ મહત્ત્વ છે.

ઝમઝમના પાણીમાં રહેલા વૈજ્ઞાનિક તત્ત્વોની તપાસ મિસરના એક વૈજ્ઞાનિકે થોડાં વર્ષો પહેલાં કરી હતી. તેની તપાસનો જે અહેવાલ આવ્યો તે ઝમઝમ પ્રત્યે આસ્થા રાખનારા કે ન રાખનારા સૌએ જાણવા જેવો છે. ઝમઝમના પાણીની વૈજ્ઞાનિક તપાસ કરતા જાણવા મળ્યું છે કે તેમાં સાત તત્ત્વો રહેલાં છે.

૧. મેગ્નેશિયમ સલ્ફેટ,

૨. સોડિયમ સલ્ફેટ,

૩. સોડિયમ કલોરાઇડ,

૪. કેલ્શિયમ કાર્બોનેટ,

૫. પોટેશિયમ કાર્બોનેટ,

૬. હાઇડ્રોજન ગેસ,

૭. સલ્ફર (ગંધક).

ઝમઝમના પાણીમાં રહેલાં આ સાતેય તત્ત્વો માનવશરીર માટે ઉપયોગી છે. જેમ કે મેગ્નેશિયમ સલ્ફેટ શરીરની ગરમી દૂર કરે છે. એ જલંદરની બીમારી માટે અસરકારક છે. સતત ઉલટી થતી હોય અને માથું ફરતું હોય તેને માટે તે અકસીર છે.

સોડિયમ સલ્ફેટ કબજિયાત દૂર કરે છે. શરીરના સાંધાના દુ:ખાવા, ડાયાબિટીસ અને પથરીના રોગ માટે તે ફાયદાકારક છે. સોડિયમ કલોરાઇડ લોહી શુદ્ધ કરી શરીરની નકામી ગરમી, પાચન બરાબર ન થતું હોય, આંતરડાં અને પેટની બીમારી વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે. શરીરના અવયવોની નબળાઈ પણ એ દૂર કરે છે અને ધુમાડાના ઝેરની અસરને તે દૂર કરે છે.

કેિલ્શયમ કાર્બોનેટ પાચન, પેશાબની સફાઇ, કિડનીની બીમારી માટે અસરકારક છે. ગરમી, જલન અને લૂની અસરને તે દૂર કરે છે. પોટેશિયમ કાર્બોનેટ લૂની વધુ પડતી અસર, બળતરા, થાક, દમની બીમારી માટે અકસીર છે. ઝમઝમના પાણીની અસાધારણ ઠંડક માટે આ તત્ત્વ જવાબદાર છે. તેનાથી પેશાબ છૂટથી આવે છે અને હાઇડ્રોજન ગેસ ચામડીના રોગો, શરદી, કોલેરા, હરસ-મસા અને સાંધાનાં દર્દોમાટે ખૂબ જ અસરકારક છે. તેનાથી ભૂખ સારી લાગે છે અને તે જંતુનાશક છે.

ઝમઝમના પાણીનું આ વૈજ્ઞાનિક પૃથક્કરણ એ બાબત સૂચવે છે કે ઝમઝમનું પાણી માત્ર આસ્થા નથી, વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ તેનું વિશિષ્ટ મહત્ત્વ છે. એટલે જ હાજીસાહેબો મક્કાથી બીજું કંઇ લાવે કે ન લાવે પણ ઝમઝમનું પાણી અવશ્ય લાવે છે, જે આસ્થા અને સ્વાસ્થ માટેનું ઉમદા પ્રતીક છે.

No comments:

Post a Comment