Monday, June 15, 2009

Babe-e- Makka Surar : Prof. Mehboob Desai

બાબ-એ-મક્કા : સૂરત


ડૉ.મેહબૂબ દેસાઈ




હમણાં સુરત શહેરની મુલાકાત લેવાનો અવસર સાંપડયો. આજનું સુરત સુંદર, વિકસતિ અને અંડર-ઓવર બ્રિજથી શોભી રહ્યું છે.

થોડાં વર્ષો પૂર્વે સુરતની મૂરત કંઇક જુદી હતી. સાંકડા રસ્તાઓ અને ગંદકી તેની વિશિષ્ટતા હતાં. આ જ સુરત મઘ્યકાલીન યુગમાં ‘સુરત સોનાની મૂરત’ કહેવાતું હતું. બંદરીય વેપાર અને અંગ્રેજોની વેપારી કોઠીઓ તેની શોભા હતાં.

સુરત શહેરની સ્થાપના અને નામનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. સુલતાન મુઝફરશાહ બીજાના સમયમાં ગોપી નામના એક નાગરે જયોતિષીઓની સલાહથી એક શહેર વસાવવાની દરખાસ્ત સુલતાનને કરી. મુઝફરશાહ બીજાને દરખાસ્ત ગમી ગઇ.

અલબત્ત ત્યારે એ શહેરને ‘સૂરજ’ કે ‘સૂર્યપુર’ નામ આપવાની દરખાસ્ત થઇ હતી. પણ મુઝફરશાહે કોઇ ઇસ્લામિક નામ રાખવાની ભલામણ કરી. ઘણી વિચારણા અને સંશોધનને અંતે ‘સૂરત’ નામ સૂચવાયું.

કુરાને શરીફનાં પ્રકરણોમાં આવતા શ્લોકોને સૂરા કે સૂરત કહેવામાં આવે છે. એ મુજબ શહેરનું નામ ‘સૂરત’ અર્થાત્ શ્લોક પાડવામાં આવ્યું. (ફારસી શબ્દનો અર્થ ‘વ્યુપતિ કોશ-ભાગ -૪, ડો.છોટુભાઇ નાયક, પૃ.૧૫૩)

ગોપી નામના નાગરે પછી તો વહેપારીઓને સુરતમાં વસવાટ કરવા આવકાર્યા. મુઝફરશાહ બીજાના સમયમાં સુરતમાં ઇમારતો બની, બગીચા બન્યા, એક મહોલ્લો વસ્યો. આજે પણ સુરતમાં ગોપીપુરા નામે એ મહોલ્લો જાણીતો છે. શહેરમાં એક સુંદર તળાવ બંધાયું. તે ગોપી તળાવ નામે ઓળખાય છે.

એ શહેરના વિકાસ માટે મુઝફરશાહ બીજાએ ગોપીને ‘મલિક’ની પદવી પણ આપી. તેની પત્નીને ‘રાણી’નો ઇલકાબ આપ્યો. એ રાણીએ વિકસાવેલો વિસ્તાર ‘રાણી ચકલા’ અને તેણે બંધાવેલું તળાવ ‘રાણી તળાવ’ તરીકે ઓળખાય છે.

આમ સુરતની સ્થાપના પછી તેનો વિકાસ વણથંભ્યો થતો રહ્યો. ૧૭મી સદીમાં ખંભાત બંદરનો વેપાર ઘટયો. મસ્કતના આરબોએ પણ સુરતના બંદરને વેપારનું કેન્દ્ર બનાવ્યું અને સુરત માટે સોનાની મૂરત શબ્દ સાકાર થયો. પરંતુ સુરતને બાબુલ-એ-મક્કાનું બિરુદ મળ્યા પછી તેનો વિકાસ પરાકાષ્ઠાએ પહોંચ્યો.

બાબુલ-એ-મક્કા અર્થાત્ મક્કાનું પ્રવેશ દ્વાર. અરબીમાં બાબ શબ્દનો અર્થ દરવાજો થાય છે. એ સંદર્ભમાં જ બાબુલ-એ-મક્કા શબ્દ વિકસ્યો છે. મોટા ભાગના મોગલ બાદશાહો હજયાત્રાએ સુરત બંદરેથી જ જતા તેથી સુરત બંદર હજયાત્રીઓ માટે મોટું કેન્દ્ર બની ગયું. હજયાત્રીઓ સમગ્ર દેશમાંથી સુરત આવતાં અને વહાણોમાં હજયાત્રાએ જતાં, પરિણામે સુરતનો વિકાસ થયો. વેપાર-રોજગાર વઘ્યા.

છેલ્લા મોગલ સમ્રાટ ઔરંગઝેબે તેને વેગ આપ્યો. તેણે સુરતમાં હજયાત્રીઓ પાસેથી જકાત લેવાની બંધ કરી. વળી, વેપારીઓને પણ ઓછો કર ભરવાની સગવડ કરી આપી. પરિણામે સુરત સોનાની મૂરત બની ગઇ.

સુરત બની ગયું ‘બાબુલ-એ-મક્કા’ અર્થાત બાબ-એ-મક્કા જેવા નામથી જાણીતું બનેલું સુરત વેપાર ઉધોગના વિકાસને કારણે મોગલયુગમાં બાબ-એ-તિજારત અર્થાત્ વેપારનું દ્વાર બની ગયું.

આજે હજયાત્રીઓ મુંબઇને સ્થાને અમદાવાદના એરપોર્ટ પરથી હજયાત્રાએ જતા થયા છે. અમદાવાદનો વિકાસ ઝડપી થયો પરિણામે હવે થોડાં વર્ષોમાં અમદાવાદને પણ બાબ-એ-મક્કાનું બિરુદ પ્રાપ્ત થાય તો નવાઇ પામવા જેવું નહીં ગણાય

No comments:

Post a Comment