Sunday, June 14, 2009

Allah Upenidhad by Prof. Mehboob Desai

ઉપનિષદમાં અલ્લાહનો મહિમા

ડૉ.મેહબૂબ દેસાઈ

‘અલ્લાહ ઉપનિષદ’નો આ અનુવાદ અલ્લાહ કે ઇશ્વરની અપરંપાર શકિતની આરાધના છે. ભારતીય સંસ્કતિના પાયામાં પડેલું એકેશ્વરવાદનું તે પ્રતીક છે
૧૬ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ ગુજરાતના મોટા ગજાના વિદ્ધાન મા. કે. કા. શાસ્ત્રીએ ભાવનગરના શિક્ષક સાલેહભાઈ વોરાને એક પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું, ‘જયાં છેલ્લાં ૬૮ વર્ષથી સેવા આપતો આવ્યો છું. એ ગુજરાત વિદ્યાસભાની ભો.જે. વિદ્યાભવનની લાઇબ્રેરીમાં ૧૮૮ નાનાં મોટાં ઉપનિષદો છે એવો ગ્રંથ સચવાયો છે.એમાં ૧૨૧મું ‘અલ્લાહપનિષદ’ અપાયું છે.
તેની ઝેરોકસ નકલ તરત કઢાવી આ સાથે મોકલું છું. સંસ્કતના કોઈ જ્ઞાતા પાસે જઈ તેનો અર્થ સમજવા પ્રયત્ન કરશો. ઉમર (૧૦૦મું શરૂ) અને તબિયતની નબળાઈને કારણે વિવેચન લખી મોકલી શકતો નથી. એની ક્ષમા ચાહું છું.
સો વર્ષની ઉંમરે પણ આવી સક્રિયતા, નિષ્ઠા નમન માગી લે છે. શાસ્ત્રીજીનો એ પત્ર અને ‘અલ્લાહપનિષદ’ બંને સાલેહભાઈએ મને મોકલી આપ્યા. મેં ‘અલ્લાહપનિષદ’નો અભ્યાસ કર્યો. મોતીલાલ બનારસી, દિલ્હી દ્વારા સંસ્કતમાં પ્રકાશિત અને પંડિત જગદીશ શાસ્ત્રી સંપાદિત અલ્લાહપનિષદ આપણી સર્વધર્મ સમભાવની નીતિને વ્યકત કરતો અદ્ભુત દસ્તાવેજ છે. ઉપનિષદ એટલે વેદનો અંતર્ગત ગણાતો અને તેના ગૂઢ અર્થોને સ્પષ્ટ કરતો, બ્રહ્મવિધાનું પ્રતિપાદન કરતો તાત્ત્વિક ગ્રંથ.
એવા અમૂલ્ય ગ્રંથમાં ‘અલ્લાહપનિષદ’નો સમાવેશ થાય તે બાબત જ કોઈ પણ અભ્યાસુ માટે ઉત્સુકતા જગાડે. એટલે મેં ‘અલ્લાહપનિષદ’ની એ ઝેરોકસ નકલ શામળદાસ આર્ટસ કોલેજના સંસ્કતના વિદ્ધાન અઘ્યાપક અરુણભાઈ જોષીને મોકલી. તેમણે ‘અલ્લાહપનિષદ’નો શબ્દશ: અનુવાદ કરીને મને મોકલ્યો.
‘અલ્લાહ ઉપનિષદ’ અર્થાત્ અલ્લાહનું શરણ એવા મથાળા નીચે તેમાં લખ્યું છે,
‘અલ્લાહ દિવ્ય તેજોમય આકાર વિનાનો મહિમા ધારણ કરી રહ્યો છે. તે પ્રથમથી જ મહામહિવાન અપાર શકિતઓનો માલિક છે. તે સમુદ્ર, પૃથ્વી, આકાશ સર્વનો સર્જક છે.આ દુનિયાના સૌથી મોટા સમ્રાટ કે સાધારણ સંસારીને ન સમજાય તેવો છે.
દુનિયાનો મિત્ર અને સૌનું ભલું કરનાર છે. અન્નજળ અને શુભાશિષ આપનાર છે. અલ્લાહને હું પ્રાર્થના કરું છું. સર્વસમર્થ (વરુણ) અલ્લાહ સૌ પાક (પવિત્ર) જીવ પર રહેમ કરે છે.
અલ્લાહ સ્વંય પ્રકાશ છે. સૂર્ય-ચંદ્ર સૌ તેના આદેશથી તેજ પામે છે. તેના આદેશથી જ જગતમાં બધું સંભવે છે. અલ્લાહ જ દીઘાર્યુ આપે છે. સુખસાધનો આપે છે.ઇબાદત-સિજદો કરનાર-ભકિત કરનારને તે વધુ સુખ આપનાર છે.
અલ્લાહ જ સર્વોત્તમ છે, સર્વોપરી છે. તે જ સુરેન્દ્ર (બધા જ તેજસ્વી પ્રદાર્થોના માલિક) છે. તે જ સાત ખલકનો જોનાર છે. સાત આસમાન પર મહેરબાન છે.
અલ્લાહ અમારા પર રાજી રહો, કૃપા વરસાવો. અમારી ઇબાદત (ભકિત)થી સંતુષ્ઠ રહો. અલ્લાહ પરદયાળુ છે. એ જ અમારું આશ્રયસ્થાન છે.
અમે સૌ તેના ઋણી છીએ. ઉપકારી છીએ. જેનો કદી કોઈથી બદલો વાળી ન શકાય તેવો એકમાત્ર શરણે જવા યોગ્ય અલ્લાહ છે – આમીન’
‘અલ્લાહપનિષદ’નો આ અનુવાદ અલ્લાહ કે ઇશ્વરની અપરંપાર શકિતની આરાધના છે. ભારતીય સંસ્કતિના પાયામાં પડેલ એકેશ્વરવાદનું તે પ્રતીક છે. આપણી સૌની શ્રદ્ધા કે ઇબાદતનું કેન્દ્ર છે.
સર્વધર્મ સમભાવનો તે જીવંત દસ્તાવેજ છે. અલ્લાહ એટલે ઇશ્વર અને ઇશ્વર એટલે જ અલ્લાહનું તે આદર્શ દ્રષ્ટાંત છે.

(ગુરુવાર ત.1-5-1986)
ટોરંટો કેનાડામાં પ્રસિધ્ધ થતા ગુજરાતી અઠવાડિક ‘સ્વદેશ’ માં ધર્મ શાસ્ત્ર ના માનનીય લેખક જનાબ કાસિમ અબ્બાસ સાહેબ તરફથી આ ઉપયોગી માહિતી નુ કટીંગ મળવા બદલ ‘બઝમે વફા’ આભાર વ્યકત કરેછે

No comments:

Post a Comment